ગુરુવાર, 13 જાન્યુઆરી, 2022

samakatha ni meldi maa no itihas , સામા કાંઠા ની મેલડી માં નો ઇતિહાસ, vastadi gam

 samakatha ni meldi maa no itihas સામા કાંઠા ની મેલડી માં નો ઇતિહાસ.

નમસ્કાર મિત્રો ,આજે આપણે વસ્તડીગામ ની સામા કાંઠા ની મેલડી માં ના ઇતિહાસ વિષે વાત કરીશું. 

 

સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ તાલુકા ના વસ્તડી ગામ માં સામા કાંઠાની મેલડીમાં નું મંદિર આવેલું છે.

આશરે 250 વર્ષ પહેલાની આ વાત છે. ભયંકર દુષ્કાળ નો સમય હતો. મૂળ મારવાડ પ્રદેશના વેળવા દેવી પૂજક, એમના 100 એક માણસોના કબીલા સાથે માલઢોર ના ઘાસચારાની શોધમાં નીકળી પડે છે. દેવી પૂજક એમની સાથે વાંસ ના એક કરંડિયા માં એમના કુળમાં પૂજાતી બાપ-દાદા ની માં મેલડી રાખતા. જ્યાં પણ જાય ત્યાં એ કરંડિયો સાથે લઇ જાય અને રોજ ધૂપ દીપ કરીને માં મેલડી ની પુજા કરતા. ડુંગરીયા નામનો દેવીપૂજક આ કબીલા નો મુખી અને માં મેલડી નો ભુવો હતો.તેની પત્ની નું નામ વાલડીબાઈ હતું.બંને જણા માની ખુબ ભક્તિ કરતા હતા. માં મેલડી ડુંગરિયા સાથે વેણે વાતો કરે છે .

હવે બન્યું એવું કે આ ભયંકર દુષ્કાળ માં અન્નપાણી ખૂટતા તેઓ ડંગળું લઈને જૂનાગઢ બાજુ જવાનું વિચારે છે માટે તેઓ માં મેલડી ને અરજ કરે છે કે " હે માં મેલડી , જો તું રજા આપતી હોય તો અમે આ મારવાડ નો મલક છોડીને જુનાગઢ બાજુ જવાનું વિચારીએ છીએ." માં મેલડી પ્રસ્સન થઇ તેઓનેગીર પંથક માં જવાની રજા આપે છે અને કહે છે " હે મારા ડુંગરિયા તમે ગીર પંથક ભલે જાઓ પણ જો જો મને માં મેલડીને સાથે લઇ જવાનું ના ભૂલતા " ડુંગરીયો બોલ્યો કે "હે માં , અમે તને જ્યાં જઈશું ત્યાં સાથેજ લઇ જઈશું ,એટલે તું અમારી સાથેજ રહેજે અને અમારું રક્ષણ કરજે "

બીજે દિવસે સવારે ડુંગરીયો માથે માં મેલડી નો કરંડિયો રાખીને માલ ઢોર ને લઈને આખાય કબીલા સાથે જૂનાગઢ ના રસ્તે નીકળી પડ્યો.પંથ કાપતા કાપતા હાલના જે વઢવાણ પંથક નું વસ્તડી ગામ છે એના નદી કાંઠે આવી પહોંચે છે. ઘટાદાર બોરડી ના વૃક્ષો અને હરિયાળી જોઈ ત્યાં રાતવાસો કરવાનું વિચાર કરી ત્યાં ડંગો નાખે છે. સાંજ થતા વાલડીબાઈ કબીલાની 3-4 બાઈઓ સાથે રોટલા લેવા માટે વસ્તડી ગામ માં જાય છે .

 એ વખતના સમયમાંવસ્તડી ગામ ભાવનગર ના તાંબા હસ્તક હતું, એટલે એ સમયે ભાવનગર ના રાણા વખતસિંહજીએ આ વસ્તડી ગામની કારભારી વીરાજી બાપુ ગોહિલ ને સોંપેલી. ફરતા ફરતા બાઈઓ આ વીરાજી બાપુની ઘરે આવે છે. એમની  દીકરી સોનબાઇ સખીઓ સાથે ઘરના આંગણે રમતી હોય છે એટલે દેવીપૂજકની બાઈઓ આ સોનબાઇ પાસે રોટલો માંગે છે . એટલે સોનબાઇ ઘરમાંથી રોટલો લાવીને આપે છે. બાઈઓ તો રોટલો લઈને કબીલામાં જાય છે. પછી સોનબાઇ નો હાથ કાને અડતા ખબર પડી કે સોનાનું ઝુમખું નથી દેખાતું. સોનબાઇ તેમની માતા ને અને  વીરાજી બાપુ ને જાણ  કરે છે. હમણાં થોડાકજ સમય પહેલા દેવીપૂજક ની બાઈઓ રોટલો લેવા આવેલી એટલે શીધો શક એમની પરજ કરે છે. એટલે વીરાજી બાપુ ગોહિલ એમના 3-4 સિપાઈઓ ને કબીલા માં મોકલે છે. સિપાઈઓ કબીલા માં આવીને ડુંગરિયા મુખી ને પકડી ને કહે છે કે તમારી બાઈઓએ અમારી સોનબાઇનું ઝુમખું ચોર્યું છે. મુખી કબીલાની બાઈઓને પૂછે છે "કે હે બાઈઓ જો કોઈએ ઝુમખું ચોર્યું હોય તો ઝટ પાછું આપી દેજો ,નહીંતર આ વીરાજી બાપુના સિપાઈઓ આપણને નહિ છોડે." બધીય બાઈઓ  ના પડે છે. છતાં સિપાઈઓ ડુંગરિયા ને લાકડીઓ ફટકારવાનું ચાલુજ રાખે છે. બધાય હાથ જોડી વિનંતી કરે છે છતાં સિપાઈઓ નથી માનતા, એટલે ડુંગરીયો કહે છે કે મારી કરંડીયાની દેવી માં મેલડી સાચા ચોર ને તમારી સમક્ષ હાજર કરી દેશે , આ સાંભળી સિપાઈઓ બાજુમાં પડેલા લોખંડ ના પૈડાં ને ગરમ કરે છે અને ડુંગરિયા ને અને વલાડીબાઈને કહે છે કે "તમારી મેલડી સાચી હોય તો આ લોખંડ ના લાલચોળ પૈડાં તમે બંને પોતાના ગળા માં પહેરો." ડુંગરીયો અને વાલબાઈ બંને માં મેલડીને અરજ કરે છે કે " હે કરંડીયાની ટપોરણ નાગણી અમારી રક્ષા કરજે આ રાજચોરી ના આક્ષેપ માંથી બહાર કાઢવા ઝટ અમારી વ્હારે આવજે. અને પછીતો કહેવાય છે કે જય માં મેલડી કહી ને લાલચોળ લોખંડ ના પૈડાં બંને જન પોતાના ગળામાં નાખે છે.

ત્યાંતો તરતજ માં મેલડી એમની વ્હારે આવે છે અને કહે છે "કે ખમ્મા મારા ડુંગરિયા ભુવા અને ખમ્મા મારી દીકરી વાલડી. હું કરંડિયા ની માં મેલડી , મારા ભાખેલા કદી ભોંએ પડે નહિ ,તમે નિર્દોષ છો.પણ આ વસ્તડી ગામની ધરતી તમને જાકારો આપે છે. તમે ગીર માં જૂનાગઢ તરફ જાઓ તમારું ભલું થશે, અને હું હવે ગોહિલ પરિવાર માં જાઉં છું , ખોવાયેલા ઝુમખા ને શોધી લાઉં તો હું મેલડી , તમને રંજાડ્યા નો હું હિસાબ જરૂર લઈશ ,પણ તમે મને પાછી ના વાળતા , ડુંગરીયો બોલ્યો કે"ભલે માડી ,જય હો તમારી " આ બધું  જોઈ સિપાઈઓ ને લાગ્યું કે નક્કી આ કોઈ મેલી વિદ્યા જાણતો લાગે છે ,ચાલો ભાગો અહીંથી ,વીરાજી બાપુ ને આ વાત કરવી પડશે.

સિપાઈઓએ વીરાજી બાપુને આ વાત ની જાણ કરી અને કહ્યું " બાપુ દેવીપૂજક તો અહીંથી જતા રહ્યા છે ,પણ એમની માતાજી જો સાચી હશે તો ઝુમખું લાવશે બીજું શું."

આ બધું બન્યા પછી પંચાળની ધરતી છોડી દેવીપૂજક નું  આખુંય ડંગળું જૂનાગઢ તરફ જાય છે. ધીરે ધીરે રસ્તો કાપતા જૂનાગઢની બાજુ માં આવેલા વડાલ ગામમાં આવે છે. એ વડાલ  ગામમાં રહી ડુંગરીયો અને વાલડી માં મેલડી ની સેવા પૂજા ને ભક્તિ કરે છે. 

પણ આ બાજુ વસ્તડી ગામમાં હકીકત માં એવું બનેલું કે રમતા રમતા સોનબાઇનું ઝુમખું છાણ માં પડી ગયેલું અને એ છાણા માં થપાઈ ગયેલું ,એક દિવસ વીરાજી બાપુ ના ઘરે એમની દાસી રસોઈ બનાવી રહી હતી ,એને છાણા માંથી સોનબાઇનું ખોવાઈ ગયેલું ઝુમખું મળે છે. ઘરમાં બધાને જાણ કરે છે ત્યાંતો સોનબાઇ  ધુણવા લાગે છે અને ખડખડાટ હસી ને હાકોટા કરે છે.અને કહે છે કે "હું હિસાબ લેવા આવી છું ,હું  હિસાબ લેવા આવી છું " આ બધું જોઈ વીરાજી બાપુ અને એમની પત્ની મૂંઝવણ માં આવી ગયા કે આ મારી સોનબાઈને કાંઈ વળગ્યું કે શું. 

એટલે વીરાજી બાપુ ગામમાં એક ખીમગીરી બાપુ હતા જેમની પાસે હનુમાનજી ના જંજેરા હતા એમને બોલાવે છે. ખીમગીરી બાપુ આવીને હનુમાનને સ્મરણ કરે છે "જય હનુમંત , જય હનુમંત હઠીલા " અને સોનબાઇની સામે જોઈ ને કહે છે  "બોલ તું કોણ છે , કઈ દેવી છે , કયું દેવસ્થાન છે તારું બોલ " સોનબાઇ ના કોઠે આવેલી માં મેલડી બોલે છે " હું ડુંગરિયા ના કરંડીયાની ટપોરણ નાગણી મા મેલડી છું. હું ઝુમખા નો હિસાબ લેવા આવી છું. તમે મારા ડુંગરીયાને રંજાડ્યો છે. એના માથે ચોરી નું ખોટું આડ ચડાવી એને માર્યો .એટલે ખીમગીરી તમારા જંજેરા મને નહિ અડે,હું મેલડી વીરાજી નું નિકંદન કાઢીશ" વીરાજી બાપુ બોલ્યા કે "ખીમગીરી આ કોઈ મેલો વરગાળ છે ,આને અહીંથી કાઢો "

"વીરાજી બાપુ આ કોઈ મેલો વરગાળ નથી, આ તો માં મેલડી નો હિસાબ છે. માં મેલડી કરે એ ખરું ." એટલું કહી ખીમગીરી બાપુ ત્યાંથી નીકળી ગયા 

 એવામાં લીંબડી તાલુકાનું બોરાણા ગામ અને વસ્તડી ગામ વચ્ચે ગામના સીમાડા બાબતે ઝઘડો  થયો .વીરાજી બાપુ એક વિશ્વાસુ કારભારી હતા .એટલે બંને ગામના લોકોએ વીરાજી બાપુ પર વિશ્વાસ રાખતા કહ્યું કે બાપુ તમે કાળી પછેડી ઓઢી ને ચાલો,પાછળ પાછળ અમે નિશાની કરી દઈએ એ આપણા બંને ગામ વચ્ચે ની હદરહેશે. વિરાજી બાપુ કાળી પછેડી ઓઢી આગળ ચાલે છે અને પાછળ પાછળ બોરાણા ગામ અને વસ્તડી ગામનો સીમાડો નક્કી થતો જાય છે.કહેવાય છે કે વીરાજી બાપુએ વસ્તડી ગામનું ભલું કરવા માટે 500 વીઘા જેટલી બોરાણા ની જમીન વસ્તડી ના સીમાડા માં ભેળવી. પણ બન્યું એવું કે બોરાણા માં કોઈ ગઢવીએ એમની કુળદેવી માં આઈ મોગલ ને સમરી ને બોરાણા ની સીમાડા ના હિસાબ ની અરજ કરી. "મોગલ છેડતા કાળો નાગ,મોગલ દેવ એવી છે " 

આમ વીરાજી બાપુ પર ડુંગરિયા-વાલડી ની દેવી માં મેલડી અને બોરાણા ના ગઢવી ના કુળદેવી આઈ મોગલ માં ,બંને માતાજીનો અપરાધ ભેગો થયો. ધીરે ધીરે વીરાજી બાપુનું કોઈ કારણ સર અવસાન  થયું. પછી વસ્તડી ગામની કારભારી વીરાજી બાપુના નાના ભાઈ હરભમજી બાપુ એ સંભાળી.સોનબાઇ ના કોઠેથી હજુપણ માં મેલડી જતા નથી. હરભમજી બાપુ એ ફરી ખીમગીરી બાપુને બોલાવી સોનબાઈને ધૂણતી  બંધ કરવાનો રસ્તો શોધવાનું કહ્યું .ખીમગીરી બાપુ આવ્યા અને માં ને અરજ કરી ને પૂછ્યું કે "હે દેવી તમે કોણ છો" હું ડુંગરિયા-વાલડી ની ટપોરણ નાગણી માં મેલડી છું , ઝુમખાંનો હિસાબ લેવા આવી છું , પછી ખમ્મા ખમ્મા કરી સોનબાઈ ફરી બોલ્યા કે હું બોરાણા ના ગઢવી ની કુળદેવી આઈ મોગલ છું ,બોરાણા ના સીમાડા નો હિસાબ લેવા આવી છું." ખીમગીરી બાપુ કહે છે "હે દેવી હું તમારા વચનબદ્ધ છું , તમે જે કહેશો એ કરીશું ,પણ આ સોનબાઇ ના કોઠેથી તમે જતા રહો" માં મેલડી અને માં આઈ મોગલ બોલ્યા કે "તમે ડુંગરિયા ભુવા અને બોરાણા ના ગઢવી બંને ને બોલાવી એમને એમની જમીન માનભેર પાછી આપો. અને મનેમેલડી અને આઈ મોગલને સામે કાંઠે બેસાડીને પૂજવી પડશે .નહીતો હું વિનાશ કરી દઈશ."

પછી તો એકબાજુ હરભમજી બાપુએ ડુંગરિયા-વાલડી ને તેડાવી એમની માનભેર પહેરામણી કરી,એમને ચોરી ની આડ માંથી મુક્ત કર્યા અને માતાને પાછી વાળવા માટે માં મેલડી ના ડબલ નિવૈદ્ય આપ્યા . બીજી બાજુ બોરાણા ના ગઢવી ને બોલાવી ને એની જમીન પાછી આપી.અને આઈ મોગલ ને પૂજવા લીધા. પણ ડુંગરીયો ભૂલી ગયો કે માં મેલડએ કહેલું કે "હે ડુંગરિયા તું મને પાછી ના વાળતો". પછી કહેવાય છે કે કોઈ બીમારી આવી હોય કે કઈ પણ બન્યું હોય ,એ ડુંગરિયા ના ડંગળાનો  વિનાશ થઇ ગયો હોય એમ ,ક્યાંય એમનું નામો નિશાન ના રહ્યું.

આ બાજુ માં મેલડી સોનબાઇ ના સપને આવ્યા અને કહ્યું "દીકરી સોનબાઇ હું ડુંગરિયા વાલડી ની મેલડી છું, દીકરી હું તારા ગોહિલ કુળ માં પાછી આવું છું, તમે મને પૂજો ,હું તમારા ગોહિલ કુળ ની નામના દુનિયા માં અમર કરી દઈશ." સોનબાઇ બોલ્યા "ભલે માં ,અમે ગોહિલ પરિવાર તને પૂજીશું, તારા ધૂપ દીપ કરી અમે પાવન થાશું. ત્યાર પછી વસ્તડી ગામ ગોહિલ પરિવાર ની કુળદેવી તરીકે પૂજાય છે.ત્યાર પછી તો આનેક પરચા ગોહિલ પરિવાર માં માએ આપ્યા છે . 

એકવખત ની વાત છે અભયસંગ બાપુ અને લક્ષમણભા બાપુ બંને ભાઈઓ માતાજી ના પરમ ઉપાસક હતા.એમને દીકરીઓ હતી પણ એકેય દીકરો ન હતો. એવામાં લક્ષમણભા ને ભયંકર બીમારી થઇ ,મરણ પથારીએ પડ્યા હતા. પણ માં મેલડી ને એના ભગત ની લાજ રાખવી હશે. એવામાં એક વખત માં મેલડી અભયસંગભા ને સપને આવ્યા અને કહ્યું કે "હે અભયસંગ ભા ,હું સામ કાંઠા ની મેલડી માં તમને કૈક કહેવા આવી છું. હું તારા ભાઈ લક્ષમ્ણભા નો વંસ રાખી દઉં તો મને માં મેલડી ને જાણજે " અભયસંગભા બોલ્યા કે "માં મારો ભાઈ મરણ પથારીએ પડ્યો છે ,આવે સમયે જો મારા ભાઈના ઘરે પારણું બંધાવશો તો હું સામે કાંઠે મઢ બનાવીને તમારી જીવનભર સેવા કરીશ. પછી તો  માતાજીની દયાથી લક્ષમણભા જીવલેણ બીમારીમાંથી સાજા થઇ જાય છે અને એમના ઘરે નવ મહિને દૂધ ના ફીણ જેવા દીકરા નો જન્મ થયો. ડુંગરિયા વાલડી ની દેવી પરથી એનું નામ ડુંગરભા રાખ્યું .પછી તો માતાજીએ બીજા બે દીકરા આપ્યા .ત્યારપછી સામેં કાંઠે માંનો મઢ બન્યો અને દેવી ભક્તિ ને વરેલા ગોહિલ કુળના કુળદેવી તરીકે માં ની સ્થાપના થઇ .

હાલમાં હેમભા ગોહિલ માતાજી ના ભુવાજી તરીકે માં ની ભક્તિ કરે છે ,હેમભા માં મેલડી સાથે વેણે વાતો કરે છે.

હાલમાં પણ માં ના દ્વારે આવતા દરેક ભક્તોના દુઃખો નો માં મેલડી અચૂક હિસાબ કરી રહી છે.વસ્તડી ના સામા કાંઠાની મેલડી તરીકે આ ડુંગરિયા-વાલડી ની માં મેલડી અને આઈ મોગલ માં હાજરાહજૂર પૂજાય છે

જય માં મેલડી માં 


આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

 પર વિઝિટ કરો
















































ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...