લાલવાદી ફૂલવાદી અને ભુજીયાનાગનો ઇતિહાસ
નમસ્કાર મિત્રો, આજે આપણે તંત્ર મઁત્ર ની વિદ્યા થી ભરેલા એવા લાલવાદી અને ફુલવાદી ની વાત કરીશું કે જેનો સામનો નાગલોક સાથે કેવી રીતે થયો અને ભુજીયા ડુંગર પર બિરાજમાન ભુજીયા નાગ ના ઇતિહાસની વાત કરીશ,
આશરે 700-800 વર્ષ પહેલાની આ વાત છે, હાલના અમદાવાદમાં એ સમયે એક એરિયા હતો કે જે પોપટિયા વડ તરીકે ઓળખાતો હતો. તેમાં 7-8 ખત્રી પરિવાર વસવટ કરતા હતા. તેઓની તંત્ર મંત્ર ની કાળી વિદ્યાનો જાદુ હતો,
એવામાં એક વખત એવું બન્યું કે અમુક વાદીડા ફરતા ફરતા અમદાવાળમાં આવે છે, માથે ફુલડાવાળી પાઘડી, ઘભે કંડીયા અને કંડિયામાં નાગ રમતા હતા, સાથે મોરલી વગાડતા વગાડતા આવે છે, ફરતા ફરતા અમદાવાદના હાલનું જે થલતેજ છે ત્યાં આવીને ઉતર્યા અને તંબુ તાણ્યાં, વાદીડા મેલી વિદ્યા ના જાણકાર હતા, એક દિવસ ની રાતે લાલવાદી ફૂલવાદી ને કહે છે કે "ફૂલ ચાલને વેજલપુરના વગડામાં ધોળી ચણોઠી લેવા જઈએ,"
મિત્રો હાલનું વેજલપુર એ સમયે વગડો હતો ને ત્યાં ધોળી ચણોઠી થતી, જેનો ઉપયોગ તંત્ર મન્ત્ર ના ઉપાસક મેલી વિદ્યા માં કરતા હતા.
ફૂલવાદીએ પૂછ્યું કે "ધોળી ચણોઠી શું કરવી છે? "
તો લાલવાદી બોલ્યો કે "સાંભળ્યું છે કે પોપટિયાવડ માં ખત્રી પરિવાર નો પાવર ખુબ વધી ગયો છે, તેઓ મેલી વિદ્યાના જાણકાર છે, તો ચાલને એક વખત એનો અખતરો કરી લઈએ, આજે તો એમનેય બતાવી દેવું છે કે મન્ત્ર તંત્ર શું છે."
આમ બંને ભાઈઓ વેજલપુરના વગડેથી ધોળી ચણોઠી ભેગી કરીને ખત્રી પરિવારના કબીલા તરફ જાય છે , ધોળી ચણોઠી ની સાથે થોડા લીંબુ, કાળા તલ અને અળદ લીધા હતા, ચાલતા ચાલતા આ બધુંય બજારમાં ઉછાળતા જતા હતા. આમ કરતા કરતા પોપટિયા વડે પોંહચીને ત્યાં આસાન જમાવ્યું, કુંડાળું કરીને ચોકી બાંધીને બંને ભાઈઓ બેઠા. એક ભાઈ લાકડી લઈને બેઠો અને એક ભાઈ મોરલી ના સુરે મંત્ર વિદ્યા કરતો હતો, ખત્રી પરિવાર મોરલી સાંભળીને ઘરની બહાર આવ્યા અને લાલવાદી અને ફૂલવાદી ને જોયા અને ખત્રી પરિવારે તો ઘરના બારણાં બંધ કરી દીધા, આ બાજુ મોરલી વાગી રહી છે ત્યાં તો પોપટિયા વડની નીચે 300 વર્ષ જૂનો રાફડો હતો અને એ રાફડામાં 5 ફેણ વાળો મૂછાળો દેવાસી નાગ રહેતો હતો એ મોરલી ના તાલે ફૂંફાડા મારવા લાગ્યો, આ દેવાસી નાગે એક બે વાર રાફડાની અંદર બહાર કર્યું ત્યાંતો બંને ભાઈઓની નજર આ નાગ પર પડી અને લાલવાદીએ ફૂલવાદીને કહ્યું કે ખત્રી પરિવરને બાજુમાં મૂક આ જો દેવાસી નાગ 5 ફેણ વાળો છે, નક્કી આ મણિ વાળો નાગ લાગે છે આને આપણે પકડીએ તો,
આમ મોરલી વગાડે છે અને જેવો નાગ બહાર આવ્યો ત્યાંતો એણે સીધો ફૂલવાદી ના કપાળે ડંખ માર્યો અને પાછો રાફડાની અંદર જતો રહ્યો, નાગનો ડંખ એટલો ઝેરી હતો કે તરતજ ફૂલવાદી ના મોઢામાંથી ફીણ નીકળી ગયું.
બીજી બાજુ મોતલી વાદણ રોટલા ઘડતી હતી, રોટલા ઘડતા ઘડતા એના બંને હાથની ચુડલી તૂટી ગઈ, અને એને ખબર પડી ગઈ કે માનો ના માનો કોઈ દાદો એના વાદીને ભેટી ગયો લાગે છે,
આ બાજુ ફૂલવાદી ના મડદા ને મૂકીને લાલવાદી એકલો પોતાના તંબુ પર આવે છે, કહેવાય છે કે વાદી પાસે વિદ્યા ના હોય એટલી વિદ્યા વાદણ પાસે હોય,
મોતલી વાદણે લાલવાદીને પૂછ્યું કે લાલવાદી મારો ફૂલ ક્યાં, લાલવાદી બોલ્યો કે એતો પોપટિયા વડે મડદું થઈને પડ્યો છે, 5 ફેણ વાળો મૂછાળો નાગ એને ભરખી ગયો,
એટલું સાંભળતા મોતલીએ મોરલી લીધી અને પોપટિયા વડ પાસે આવી, અને નિશ્ચય કરે છે કે જો આ નાગને હું વસ માં ના કરી દઉં તો હું મોતલી વાદણ નહિ . રાફડે પહોંચીને વાદણે એક જાર નો દાણો લઈને નીચે ધરતી પર નાખ્યો, પછી હાથમાં પાણી લઈને એની પર અંજલિ છાંટી ત્યાંતો ઘડીકવારમાં જારનો છોડ ઉભો થયો, બીજી અંજલિ નાખી ત્યાંતો ત્રણ હાથનો જારનો છોડ થઇ ગયો અને એની પર ડૂંડું આવી ગયું ,પછી દાતરડું લીધું અને કહ્યું કે નાગ રાફડામાંથી નીકળ ને મારા વાદી નો ડંખ ચૂસી લે નહીતો આ દાતરડું લઇ જારનું ડૂંડું વાઢી નાખુંને એટલે તારી ફેન વઢાઈ ગઈ સમજજે ,હું વાદણ છું બાપ, નાગ બહાર નથી આવતો ,પછીતો વાદણ ખોડો પાથરીને અરજ કરે છે પણ નાગ બહાર નથી આવતો , નાગતો હઠે ભરાયો છે, તે પકડાવા માંગતો નોહ્તો એટલે નાગ બહાર નીકળીને વાદી અને વાદણની નજર ચૂકવીને મૂછ વાળો નાગ તે દિવસે ઉડ્યો અને ઉડીને થોડેક દુર જઈને નીચે ઉતરીને ચાલતો થયો,
આબાજુ મોતલી વાદણ પણ અરજ કરતા થાકતી નથી, વાદણે વિદ્યા વાપરી ને નાગનું પગેરું તપાસ્યું, નાગના લિસોટે લિસોટે વાદી અને વાદણ ચાલતા થયા, રસ્તામાં ભરવાડ ભેંસો ચરાવતો હતો, એમાં એક પાડો જોયો, વાદણ જાણી ગઈ કે આ પાડો બીજું કોઈ નથી પણ એ અમદાવાદના રાફડાનો નાગ છે, પડાએ વાદણને જોઈ ત્યાંતો પાડામાંથી નાગ થઈને ભાગ્યો, ભાગીને વિરમગામ જઈને મુનસર તળાવમાં પાસો પાડાનું રૂપ લઈને બેસી ગયો, ત્યાંથી નાગ ભાગ્યો અને ભાગતા ભાગતા ડીસા પાલનપુરની બાજુમાં રાધનપુર ના સીમાડામાં બેઠો, ત્યાં વાદણે નાગને પકડ્યો અને પકડીને કંડિયામાં પૂરીને અમદાવાદ લાવ્યા, વાદણે ડંખ ચુસ્વાનું કહ્યું ,નાગ ડંખ ચૂસવા જાય છે ત્યાંતો ફરીથી ઝડપભેર ઉડ્યો અને ઉડીને સીધો કચ્છની અંદર ભુજના ડુંગરે જઈને બેઠો. ફરી વાદણે વિદ્યા વાપરીને જોયું તો નાગ કચ્છમાં ભુજના ડુંગરે જઈને બેઠો છે, વાદણ શોધતી શોધતી કચ્છમાં આવે છે, આ બાજુ નાગ એક સાત વર્ષના બાળકનું રૂપ લઈને ભુજના દરબારગઢમાં પ્રવેશે છે, ભુજના દરબાર તેને જોતાજ સમજી જાય છે કે નકી કોઈ દેવી શક્તિ લાગે છે, નાગ બોલ્યો કે દરબાર મારે આશરો જોઈએ છે, હું મારી ઓળખાણ કરીશ તો કદાચ તમે ડરી જશો, હું સવા સો વર્ષનો વાસુકી નાગ છું, એક વાદી અને વાદણ મારી પાછળ પડ્યા છે ,મારી વિદ્યા કરતા આ વાદણ નું સત વધારે છે,મારે એની વાત માનવી નથી,
દરબાર નાગની વાત નથી માનતા એટલે નાગ તેના અસલ રૂપ માં આવી જાય છે, અને દરબારના સૌ લોકો પાઘડી ઉતારીને નમન કરે છે, પછી તો નાગ સોનાનો હાર બનીને રાણીના ગળામાં બેસી જાય છે.
વાદણ ત્યાં પહોંચી જાય છે અને મોરલી વગાળે છે, એને ખબર પડી જાય છે કે નાગ હાર બનીને રાણીના ગાળામાં બેઠો છે, મોરલીના સુરથી દરબાર ખુશ થઈ જાય છે, અને વાદણને ઇનામ માંગવાનું કહે છે, વાદણ રાણીના ગાળામાં રહેલા સોનાના હારની માંગણી કરે છે, દરબાર સમજી જાય છે કે આ એજ વાદણ છે જે નાગને પકડવા આવી છે, એટલે દરબાર નાગ પાસે આવીને કહે છે કે હે નાગદેવ હવે અમે શું કરીએ, એટલે નાગ કહે છે કે રાણીને કહેજો કે હારના ટુકડે ટુકડા કરી દે , એ ટુકડા કરશે એટલે હું એમાંથી ઉડી જઈશ, હે દરબાર તમે મને આશરો આપ્યો છે એટલે ભુજ પર સદાય મારી અમી છાયા રહેશે. હું તમારા કુળમાં પુજાઇશ, અને તમારું અખંડ રાજ્ય રાખીશ, આ મારા ભુજીયા નાગનું તમને વચન છે, અને હા દરબાર તમારા રાજ્યમાં લોકોને કહેજો કે જેટલા ગાદલા ગોદડા હોય એને પાણીમાં બોળીને ભુજના ડુંગર પર નીતરવા નાખે, હું અહીંથી ઉડીને સીધો બહુજન ડુંગરે જઈશ. અને તેમાં સંતાઈ જઈશ, અને જયારે વાદણ મોરલી વગાડશે એટલે હું ઝેરના ફુંફાડા મારીશું, ત્યારે ડુંગરના ઝાડવા સળગીને ખાખ થઇ જશે, અને આ જંગલ સળગશે એમાં કેટલાય જાનવર બાળીને મરી જશે તો એનું પાપ મને લાગશે, તેથી ગાદલા ગોદડાં નીતરતા મુકશો તો પછી વાદણ છેને હું છું.
ત્યારપછી રાણીએ ગળામાંથી હાર કાઢીને તેના ટુકડા કરીને વાદણ ના ખોળામાં ઘા કરે છે,ત્યાંતો નાગ ત્યાંથી ઉડીને ભુજના ડુંગર પર જઈને બેસી જાય છે, હવે વાદણ તેની મેલી વિદ્યાના ઘા કરે છે. અને નાગદેવતા ઝેરના ફૂંફાડા મારે છે. હવે ખરા ખરીનો ખેલ જામ્યો છે અને ભુજના ડુંગર ડોલવા લાગે છે. અંતે વાદણ હારીને કહે છે કે ખમૈયા કરો બાપ ખમૈયા કરો, હે મારા વીરા ખમૈયા કરો ,હવે સાચા હૃદય થી વાદણ નાગદેવતાનું સ્મરણ કરે છે. વાદણ કહે છે કે મારા વાદી ને સજીવન કરો, હે મારા દેવ તું જીત્યો અને હું હારી ગઈ, મારી ભૂલને તમે ક્ષમા કરો.
ત્યારે ભુજના ડુંગરમાંથી દેવાસીદાદા ભુજના ડુંગરા ડોલાવતા બહાર નીકળે છે. નવકુળનો નાગ 5 ફેણ ચડાવી ફૂંફાડા મારતો નીચે ઉતરે છે. અને બધાની ની સામે જુએ છે, દરબાર સવા સેર સાકર દૂધમાં પલાળીને નાગદેવને પીવડાવે છે, અને નાગદેવ તે પ્યાલો પી ને વાદણ ના ધણીનો ડંખ ચૂસીને સજીવન કરે છે. અને ત્યાંથી પાછા ભુજીયા ડુંગરમાં જઈને અંતઃધ્યાન થઇ જાય છે. કહેવાય છે કે હાલમાં પણ નાગપંચમીના દિવસે દાદા દૂધ પીવા આવે છે.