લાખણેચી માં નો ઇતિહાસ ,લાખિયા ધરે બિરાજમાન માં લાંખણેચી...
નમસ્કાર મિત્રો, આજે આપણે લાખનેચી માં ના ઇતિહાસ ની વાત કરીશું, ગુજરાત ના સાબરકાંઠા જિલ્લામાં ધનસુરા તાલુકા માં આવેલા ધામેણીયા ગામમાં લાખિયા ધરા પરબિરાજમાન લાખનેચી માં નું ભવ્ય મંદિર આવેલું છે. રબારી સમાજ ના ઘાંઘોળ શાખના રબારી ની કુળદેવી માં લાખનેચી ધામેણીયા કેવી રીતે આવ્યા એના ઇતિહાસ ની આજે વાત કરીશું.
ઘણાય વર્ષો પહેલા ની આ વાત છે, રાજસ્થાન ના મારવાડ પ્રદેશના જેસલમેર માં બ્રાહ્મણો રહેતા હતા, એમાં એક વિદ્યા નામનો બ્રાહ્મણ હતો એને એક દીકરી હતી જેનું નામ લાખુબા હતું, અને એક દીકરો હતો એનું નામ લક્ષમણ હતું, લાખુબા સ્વયં જગદંબા નો અવતાર હતા. બ્રાહ્મણ ના ઘરે એક ગાય હતી, તેઓ ગાયની રોજ સેવા પૂજા કરતા , અને તેમને એક વ્રત હતું કે ગાયને દોહીને શિવજીને પહેલા દૂધ ચડાવવાનું પછીજ જમવાનું,
ધીરે ધીરે લાખુબા પંદરેક વરસ ના થયા હશે એ વખત ની વાત છે, ગાય રોજ રાત્રે જેસલમેર ના વગળામાં ચરવા જતી હતી, અને સવારે શિવજીની આરતી થાય તે પહેલા તે ઘરે પાછી આવી જતી, પરંતુ એક દિવસ રાત્રે ગાય વગળામાં ચરતી હતી અને શિકારીએ ના કરવાનું કર્યું, શિકારીએ હરણ સમજીને બંદૂકનો ભડાકો કર્યો અને ગાય મરી ગઈ, આ બાજુ આરતી નો સમય થઇ ગયો અને દિવસ ઉગી ગયો પણ ગાય ઘરે પાછી આવી નહિ, લાખુબા રાહ જોઈ જોઈને થાક્યા કે ગાય કેમ આવી નહિ, એટલે એમને ભાઈ લક્ષમણ ને વગળા માં શોધવા મોકલ્યા, લક્ષમણે વગડામાં જઈને જોયું તો ગાય મરેલી પડી હતી,
એણે ઘરે આવીને કહ્યું કે બહેન ગાય તો મળી પણ મરેલી મળી, લાખુબા રડવા લાગ્યા અને ઓરતો કર્યો કે હે ભગવાન ભોળાનાથ આજે તારા વ્રત માં ભંગ પડ્યો, લાખુબાએ તો મનમાં એકજ વિચાર કર્યો કે આ ગાય મરી ગઈ, સાથે હું પણ સતી થઇ જાઉં.
આમ લખુબાએ સૌ કુટુંબ કબીલાને બોલાવ્યા અને ગાયની સાથે સતી થવાનું નક્કી કર્યું. અને કહ્યુ કે હું ગાયની સાથે ચિતા પર બેસીસ અને તમે ક્યાંયથી અગ્નિદાહ ના આપતા ,મારા જમણા પગના અંગુઠામાંથી થશે અને ચિતા સળગાવીશ.
આમ સૌ વાજતે ગાજતે દીકરીને લઈને સ્મશાનમાં જવા નીકળ્યા, ગામની સૌ વાડા વસ્તી જોવા ભેગી થઇ ગઈ, સ્મશાને જતાં રસ્તામાં એમને એક ભાઠી રાજપૂત મળે છે , ભાઠી રાજપુર પૂછે છે કે " આ દીકરીને તમે ક્યાં લઇ જાઓ છો, આ દીકરી સાથે શું કરશો? "
એટલે બ્રાહ્મણ બોલ્યા કે આ દીકરી સતી થાય છે એટલે અમે એને જીવતી ચિતા પર બેસાડવા માટે સ્મશાનમાં લઇ જઈએ છીએ, આ સાંભળીને ભાઠી રાજપૂત બોલ્યો કે આ દીકરી સતી છે એ વાતની શું ખાતરી?, સત ના પરચા વગર આ દીકરીને ચિતા પર બેસાડતા નહિ . પછી લાખુબા બોલ્યા કે ભાઠી દરબાર તારે સતીનો પરચો જોવો હોય તો હું બતાવી દઉં. તું હાલને હાલ ઘરે જા અનેઘરે જે પેટી પડી છે, એને ઉઘાડીને જોજે એમાં ઘી નો દીવો ,ફૂલનો દળો અને એક પાણી વાળું નારિયેળ પડ્યું હોય તો એમ જાણજે કે હું વિદ્યા બ્રાહ્મણ ની દીકરી લાખી સતી છું.
આટલું સાંભળતા ભાઠી રાજપૂત બોલ્યો કે તમે અહીંયાજ ઉભા રહો ,હું પાછો ના આવું ત્યાં સુધી તમે આ દીકરીને ચિતા પર બેસાડતા નહિ , પછી તો ભાઠી રાજપૂતે ઘરે જઈને પેટી ખોલીને જોયું તો અંદર ઘીનો દીવો સળગતો હતો , બાજુમાં ફૂલનો દળો અને એક પાણીવાળું નારિયેળ પડેલું, આટલું જોઈને ભાઠી રાજપૂત સમજી ગયો કે આ સતી જ છે, અને મેં માતાજીના સત ના પારખા લીધા છે એટલે એ મને કોઈ શ્રાપ આપે એ પહેલા એમના પગમાં પડીને કગરી પડું , આમ વિચારી ભાઠી રાજપૂત લાખુબા પાસે આવીને કગરી પડ્યો અને બોલ્યો કે હે માં મેં તમારા સત ના પારખા કર્યા છે એટલે મને માફ કરી ને આશીર્વાદ આપજો..
એટલે લાખુબા બોલ્યા કે હે રાજપૂત તે સારું કર્યું કે તે મારું આટલું પારખું લીધું કે જેથી જેસલમેર ની વસ્તી ને હું સતી છું એવી ખબર પડી ગઈ. જા રાજપૂત તને હું માફ કરું છું, પણ તારે મારું એક વચન પાડવું પડશે.
તારા ઘરે માં લક્ષ્મી કુળદેવી છે એની સાથે આ લાખી નો દીવો કરજે એટલે લક્ષ્મી અને લાખી બે થઈને લાખનેચી નામ રાખજે .આજથી હું લાખણેચી ભાઠી હરજીની કુળદેવી થઈને બેસું છું. ભાઠી રાજપૂત બોલ્યો કે ભલે માંડી ,પણ માંડી હું તારા નૈવેદ્ય ક્યારે કરું.
માં એ કહ્યુ કે મારે ઘઉં નું ભાણું જોઈએ, નવરાત્રીની આઠમે ઘઉંનું સવા પાંચેસર નું નૈવેદ્ય કરજે, અને જેને ખોળે પહેલો દીકરો હોય એની બાબરી ઉતારે એ દિવસે પાંચ રૂપિયા અને ઘઉંનું સવા પાનસેરનું નૈવેદ્ય કરજો, આ તારા માથે મારા માટેનું કરવઠું છે.
આ કહી લાખુબા પલાંઠી વાળીને ચિતા પર બેસી ગયા . જમણા પગે આગ પ્રગટ થઇ અને માતાજી સતી થઇ ગયા.
તે દિવસથી લાખણેચી માં ભાઠી રાજપૂતના વંશજ ઘાંઘોળ રબારીની કુળદેવી છે.
ત્યાર પછી ધીરે ધીરે સમય પસાર થાય છે અને એક વખત જેસલમેરની ધરતી પર ભયંકર દુકાળ પડ્યો, પાકા પીપળાના પાન ખરી પડે એમ જેસલમેરના ઢોર ટપોટપ મરવા લાગ્યા .જેસલમેરની વસ્તી પોતપોતાના માલઢોરને લઈને પરદેશ અન્નપાણી ની શોધમાં નીકળી પડે છે. ભાઠી રાજપૂતના વંશજ એવા ઘાંઘોળ રબારી કુળદેવી લાખણેચી માં ને પૂછે છે કે "હે માં અહિયાં તો ભયંકર દુકાળ પડ્યો છે, અમે કયા પ્રદેશમાં જઈએ? "
માં લાખાનેચી માં ધુણવા આવે છે અને કહે છે કે "તમે માલઢોર લઈને ગુજરાત માં ચાલો"
કહેવાય છે કે ભાઠી રાજપૂત ફરતા ફરતા ગુજરાત માં સાબરકાંઠા માં આવ્યા,ત્યાં ધનસુરા પાસે ધામેણીયા ગામ છે ત્યાં પહોંચ્યા, ત્યાં રાજપૂતોએ પડાવ નાખ્યો , ઢોર ને ચરવા ઘાસ મળ્યું પણ ત્યાં પીવા પાણી ના મળ્યું, એટલે ભાઠી રાજપૂતે માતાજીને પોકાર કર્યો કે" હે માં અહીંયા ચરવા મળ્યું પણ પીવા પાણી નથી, હે માં તારા કહેવાથી અમે ગુજરાતમાં આવ્યા ,અમારી ભેળા જેસલમેરથી લાખણેચી સાથે આવી હોય તો ક્યાંક પાણીનો અસરો આપજે માંડી,"
માતાજી વ્હારે આવે છે અને ત્યાં એક ટેકરી હતી એની બીજી બાજુ વાત્રક નદી નો ફાંટો જતો હતો , માતાજી લીલા કરે છે અને ટેકરી નીવચ્ચેથી પાણીની ધાર થાય છે. બધા ભાઠી રાજપૂત માલધારી ઢોરને લઈને ધરા પર આવ્યા અને ધરાઈને પાણી પીધું, આમ અહીંયા ધરા પર પાણી ની ધાર કરીને માલધારીને ધરાઈને પાણી પાયા અને માલધારીને પરગટ પરચો આપ્યો એટલે તે દિવસથી લાખિયા ધરાની માં લાખણેચી એવું નામ પડ્યું. ઘાંઘોળ રબારીએ લાખિયા ધરા પર લાખણેચી માં ની સ્થાપના કરી, અને રબારીએ ત્યાંજ વસવાટ કર્યો,
ધીરે ધીરે સમય પસાર થયો અને દુકાળ ઉતરી ગયો, પ્રદેશ માં સારો વરસાદ થયો. એટલે અમુક રબારીઓ પાછા પોતાના પ્રદેશમાં ચાલ્યા ગયા, અમુક રબારીઓ પાટણ પહોંચ્યા અને તેમાંથી અમુક જણાએ વિચાર કર્યો કે આપણે જેસલમેર નથી જઉં, અહીંયા ગુજરાત માં વસવાટ કરીએ. એમાં બૂરો અને સૂરો નામના બે ભાઈઓ હતા. બુરા એ જે ગામ વસાવ્યું એનું નામ બોરસણ પડ્યું અને સુરાએ જે ગામ વસાવ્યું એનું નામ સુણસેર પડ્યું.
ધીરે ધીરે રબારી સમાજ મોટો થયો, અને આજુબાજુના ગામોમાંપણ વસવાટ કર્યો, આ બાજુ ધામેણીયા ગામમાં એક વખત એવું બન્યું કે વણઝારાની પોઠ્યો ફરતા ફરતા લાખિયા ધરા ની ધરતી પર આવે છે. અને ત્યાં પડાવ નાખ્યો. એમાંથી એક વણઝારી ધરા પર કપડાં ધોવા જાય છે, ત્યારે ગામના એક ઠાકોર ભાઈએ કહ્યું કે માતાજીના ધરે ના ન્હાતા , પણ વણઝારી ના માની . અને માતાજીના ધરે નાહવા પડી ,ધરા માં જેમ કોઈ ખેંચીને અંદર લઇ જતું હોય એમ પાણીમાં જવા લાગી, વણઝારી બૂમો પાડવા લાગી ,વણઝારાઅને આજુબાજુના લોકો એને બચાવવા બે હાથ પકડીને જોરથી ખેંચે છે. વણઝારી બહાર તો આવી ગઈ પણ એ કમરમાંથી રાંગળી થઇ ગઈ, એને ઉપાડીને ધામેણીયા ગામના રાંગણી માં ના મંદિરે લાવ્યા, રાંગણી માં નો ભુવો ધૂણીને બોલ્યો કે મારો રાંગણીકે જોગણી માતાનો કોઈ પ્રકોપ નથી. પણ બીજા કોઈ દેવીનો કોપ છે,
પછી તો માં લાખણેચી પરચો આપે છે, પેલા ઠાકોર ભાઈ ના બાપા નરસંગા વીરના ભુવા હતા, તે ધૂણ્યાં અને કહ્યું કે તમે આને ધરા પર લાખણેચી મા ના સ્થાનકે લઇ જાઓ, લાખુંમાં નો એક ચંદરવો લાવો, એક નારિયેળ ,અને સવા સેર દૂધ અને સવા સેર ચોખાની ખીર બનાવો અને ચડાવો .તમે માતાજીને કગરી પડજો, એ આ બાઇનું જીવનદાન આપશે.
આમ કહ્યા પ્રમાણે બધું કરે છે અને વણઝારી સાજી થઇ જાય છે, પરંતુ એ દિવસથી ધરા માંથી પાણી આવતું બંધ થઇ ગયું ,
સમય જતા આજુબાજુમાં રહેતા બધાય ઘાંઘોળ શાખના રબારીઓ ભેગા થયા અને મોટું મંદિર બનાવડાવ્યું. હાલમાં જેસંગભાઈ માતાજીના ભુવાજી છે.તેઓ માતાજી સાથે સાક્ષાત વેને વાતો કરે છે અને સૌ માઈ ભક્તોની મનોકામના પુરી કરે છે.