રાંદલ માં નો ઇતિહાસ
ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ માં ના લોટા તેડવાની પ્રથા ખૂબ પ્રચલિત છે. લગ્ન, સંતાનોના જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે "રાંદલ ના લોટા" તેડ્યાનો પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની સોળે શણગારેલી માંડવી નું પૂજન કરાય છે, પછી જેટલા રાંદલના લોટા તેડાવ્યા હોય તે પ્રમાણે ગોરાણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથે નું ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા ભજન ગવાય છે અને માતા નો ઘોડો રમાઈ છે. તો ચાલો આજે જાણીએ માં રાંદલ ની સંપૂર્ણ કથા અને ઇતિહાસ...
રાંદલ માતાજી ને રન્નાદે- સંઘના દેવી- રાણલદે - રાંખલ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાન ના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શનિ અને તાપી તે રાંદલ માતા ની છાયા ના સંતાનો છે. માતાજીના રૂપ ગુણ ના તેજ થી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરે છે. સૂર્ય ની માતા આદિતી સૂર્યને પોતાની ઈચ્છા- હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈપણ દેવ કન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્યદેવ પોતાની હઠ પર અચળ રહે છે. આદિતી રાંદલ ની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે, ત્યારે આદિતી દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલ નો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માગ્યો. આદિતી ની વાત સાંભળી કાંચનાદેવી કહે છે કે આપના પુત્ર ની દિનચર્યા રાત દિવસ ચાલે છે તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે માટે મારી ઈચ્છા નથી.
દેવી કાંચના ની વાત સાંભળી સૂર્ય દેવે વરુણ દેવની સહાયથી કાંચના દેવીના મોભારાના નડીયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી. આથી કાંચના આદિતી પાસે તાવડી લાવવા ગયા ત્યારે આદિતી એ શરત મૂકી કે "મારી તાવડી ની ઠીકરી તૂટે તો હું તમારી દીકરી લઈશ"
ત્યારે કાંચના એ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડી ની ઠીકરી તૂટે આથી તેમણે હા કહી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યા રસોઈ કરી પછી તાવડી ઠંડી કરી પછી તેઓ તાવડી આપવા ગયા ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આખલાઓની વચ્ચે દેવી કાંચના ને એવા ભીડવી દીધા કે હાથમાંથી તાવડી પડી ને તૂટી ગઈ જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલ ના વિવાહ થયા.
વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજી થી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકતી ન હતી . પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ મા રાંદલ માતાજી પોતાનામાંથી એક બીજું સ્વરૂપ (છાયા) ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં જતાં રહ્યાં.
પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજી ને સમજાવી ને ઘેર પાછા જવાનું કહ્યું કારણકે " દીકરી તો સાસરે જ શોભે " આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજી ઘોળીનું સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે ઉભા રહી સૂર્યનારાયણ નું તપ કરવા લાગ્યા. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જે ભગવાન સૂર્ય રાંદલ માતાજી નું અસલ સ્વરૂપ જ ગણે છે જેના બે સંતાનો થયા શની અને તાપી.
એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતાં ઝઘડો થયો જેની વાત શની માં છાયા ને કાને નાખે છે. છાયા પોતાના પુત્ર યમ ને ઠપકો આપે છે. જેથી યમ ક્રોધે ભરાઇ માં છાયા ને મારવા દોડે છે. છાયા યમ ના આવા વર્તનથી કોપાયમાન થઈ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તુરંત જ તારું મૃત્યુ થશે. પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણ ની નજર પુત્ર યમ ના ચહેરા પર પડતાં જ પરિ
સ્થિતિની જાણ થાય છે.
સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે "માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં" સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે. છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે. છાયા સૂર્યદેવ ને રાંદલમાં ઘોડી બની ને તપ કરી રહ્યાં છે તે જણાવે છે.સૂર્યનારાયણ ઘોડા નું સ્વરૂપ લઇ ઘોડો ખુંદતા ખુંદતા પૃથ્વી પર જાય છે અને માં રાંદલ નું તપ ભંગ કરે છે.
(અશ્વ) ઘોડો અને (અશ્વિની) ઘોળી ના નસકોરામાંથી અશ્વિની કુમાર નું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલ ની વિનંતીથી પૃથ્વીને પોતાના સોળે કળા ના તેજ માંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવા નું વચન આપે છે. આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાનથી બચી જાય છે.
તે ભૂમિ જે સૂર્ય ભગવાને વસાવેલું નગર ત્યારનું સુરજ અને આજનું સુરત તે આ દિવ્ય તપોભૂમિ.
તપથી પ્રસન્ન થઈ સૂર્યદેવ વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન ,વાસ્તુ ,પુત્ર જન્મ , સિમંત વગેરે જેવા શુભ કાર્યો માં રાંદલ નું સ્થાપન કરનારને સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે
એક અસલ સ્વરૂપ અને બીજું છાયા સ્વરૂપ એમ ૨ લોટા તેડવામાં આવે છે.
રાંદલ માતાના દળવા ગામ નો ઈતિહાસ
આજે સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલ નું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલ થી મોવિયા-વાસાવડ માર્ગે 35 કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલમાતા લકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. તો ચાલો જાણીએ રાંદલ માતા ના દડવા નો ઇતિહાસ.
સૌરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળ થી બચવા માટે માલધારીઓ એક ટીંબા પર વસવાટ કરે છે, જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ અપંગ, આંધળા, કોઢિયાઓ ના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનું નિશ્ચય કરે છે. આવા આશયથી માતાજી બાજુના ગામ ધુતારપુરા નગરના (વાસાવડનાં)બાદશાહના સિપાઈઓ કે જેઓ દૂધ-ઘી હંમેશાં આ માલધારીઓ પાસેથી લે છે તેને ૧૬ સુંદરી ના રૂપમાં દેખાય છે. બાદશાહ પાસે વાત પહોંચતાં તરતજ બાદશાહ તેનું કટક લઈ સુંદરીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે. માતાજી કોપાયમાન થઈ બાજુમાં ઊભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપમાં ફેરવી નાખે છે જે આખા દળ કટક ને દળી નાખી ને નાશ કરે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું છે. અચંબિત માલધારીઓ ભાવવિભોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ તથા આશ્રય વિશે જણાવવાનું કહે છે. રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા રદય ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ આંધળાઓ ને આંખો આપીશ, અપંગોને પગ આપીશ, ની:સંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ.
દડવાની દાતાર રાંદલ માતાજીના ભક્તો દેશ-વિદેશમાં પથરાયેલા છે. બુદ્ધિ ની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધા ના સીમાડા શરૂ થાય છે. રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે અને હાલ બને છે જે બુદ્ધિથી પર છે તો બોલો રાંદલ માતાની જય....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો