ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,
નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિહત મેલડી ના ઇતિહાસની વાત કરીશુ. મહેસાણા જિલ્લા ના કડી તાલુકામાં ચુંવાળ પંથકમાં આવેલું ચારોલ ગામ કડી થી 12 km અને મહેસાણાથી આશરે 50 km ના અંતરે આવેલું છે, અહીંયા ભગવતી માં વિહત મેલડીએ ગોપી પટેલને પ્રગટ પરચો આપેલો,
વિહતમાં ના ઈતિહાસ ની વાત કરીએ તો આશરે 450 વર્ષ પહેલાની આ વાત છે, કે જયારે ગોપી પટેલના મઢે માં ભગવતી વિહત મેલડીને બેસાડવાનાં હતા ત્યારે ગોપી પટેલે કહ્યું કે હે માં તું મારા મઢે બેઠી છો, એનું પરમાણ આપજે, ત્યારે માંએ કીધું હતું કે હું તમારા મઢે આવીને બેશુ , એનું પ્રમાણ હું તમને આપું છું, કે હે ગોપી પટેલ અષાઢનો મેહ વરશે અને તમે વાવણી કરવા જાઓ,ત્યારે તેમાં એક ઓરીયું ખાલી રાખજો, તેમાં વાવણી હું કરીશ, અને ગોપી પટેલ તમારું વાવેલું કદાચ આછું આછું ઉગી શકે પણ મારુ વિહતનું વાવેલું કદાચ એકધારું ઉગેને તો માનજો કે હું વિહત મેલડી તારા મઢે બેઠી છું,
અને કહેવાય છે કે બરોબર અષાઢ નો મેહ વર્ષ્યો અને ખેતરમાં વરાપ થતા ગોપી પટેલ ખેતર ખેડીને વાવણી કરવા ગયેલા અને એમાં એક ઓરીયું બંધ કરી દીધેલું કે જેમાં માં વિહત મેલડીને વાવણી કરવાની હતી, અને પછીતો ખેતરમાં જે અનાજ વાવેલું એની કુંપણો ફૂટે છે, અને માં વિહત મેલડીએ જે અનાજ વાવેલું એ હતી સફેદ તુવેર, અને કહેવાય છે કે આ સફેદ તુવેર સૌપ્રથમ ધરતી પર જો કોઈ લાવનાર હોય તો એ આ મારી વિહત મેલડી માં છે, જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે,
ચારોલની માં વિહત મેલડીના બીજા એક પરગટ પરચાની વાત કરીએ તો એ સમયમાં વિરમગામ તાલુકાના પાટડીબજાણા ગામમાં એક ઉડણસિંહ બજાણીયા રહેતો હતો, જે કામરૂદેશની મેલી વિદ્યાનો જાણકાર હતો, પરંતુ એને કોઈ સંતાન ના હતું, તે માં મેલડીનો પણ પરમ ઉપાસક હતો, અને માં મેલડી તેની સાથે પડદે વાતો કરે, પાટડીબજાણા માટેતો ઠીક પણ અજુબાજુનાં ગામમાં જો કોઈ દુઃખ દર્દથી પીડાતું હોય અને એ આ ઉડાનસિંહ ભુવા પાસે આવે તો તેનું દુઃખ દર્દ મટી જાય, પોતે જાતનો બજાણીયો એટલે ગામે ગામ ફરીને રમતો રમે અને જે દાણા પાણી મળે એનાથી ગુજરાન ચલાવતો.
એને ઘરમાં સાત સાત બૈરાં હતા છતાં પણ તેને શેર માટીની ખોટ હતી.
સમય જતા એક દિવસ તે મઢમાં બેસીને માં મેલડીને અરજ કરે છે કે હે માં મેલડી મારે સાત સાત બૈરાં છે ઘરમાં છતાં પણ મારે કોઈ સંતાન સુખ નથી, માં મારી પર દયા કર, મારુ વાંઝિયામેણું ભાગ માંડી, ત્યારે કહેવાય છે કે માતાજીના દેરા માંથી વાચા ફૂટી અને માં બોલ્યા કે "દીકરા ઉડનસિંહ, આ ધરતી તને જાકારો આપે છે, કાલે સવારે તું અહીંથી ચુંવાળ પંથકમાં જા, ચારોલ ગામમાં તારું વાંઝિયામેણું ભાગશે, "
આમ માતાજીએ કહ્યા પ્રમાણે બીજો દિવસ ઉગતાજ ઉડણસિંહ કુટુંબ કબીલા ને ગાડાંમાં લઈને ત્યાથી ચુંવાળ પંથક તરફ હાલી નીકળે છે, રસ્તામાં ગાડું ધીમે ધીમે આગળ ચાલ્યું જાય છે ,ત્યાં આ બાજુ માતા મેલડીને એમ થયું કે મારો ઉડણસિંહ મને જાણે છે કે નહિ, લાવને હું જઈને જોઉં તો ખરી કે એને મારી પર શ્રદ્ધા ને વિશ્વાસ છે કે નહિ. આમ વિચારી માં મેલડી તે દિવસે ઉડણસિંહ બજાણીયાનું પારખું કરવા માતાજી એક 80 વર્ષની ડોશીમાનું રૂપ લઈને હાથમાં એક લાકડી લઈને ડગુમગુ થાતાં ઉડણસિંહ નું ગાડું રોકે છે અને કહે છે કે ઓ ભાઈ ગાડાવાળા તારું ગાડું જરાક ઉભું રાખલે બાપલીયા, મને ચારોલ ગામ સુધી બેસાડી લેને દીકરા," ત્યાંતો ઉડણસિંહ બોલ્યા કે ડોશી આ મારા ગાડાંમાં મારા સાત બૈરાં અને ઘણોબધો સામાન ભરેલો છે, તમને બેસાડવા માટે ગાડાંમાં જરાય જગ્યા નથી, હાલો હાલો ગાડાં આગળથી ખસી જાઓ મારે જવાનું મોડું થાય છે, આમ કહીને ઉડણસિંહએ ડોશીને બેસાડ્યા નહિ અને ત્યાંથી આગળ ગાડું હંકારી દીધું, અને માતાજી ત્યાંથી અલોપ થઇ ગયા,
પછી તો આગળ જઈને માતાજીએ એક 16 વર્ષની સુંદરી નું રૂપ લીધું અને વિચાર્યું કે જો આજે મને ઉડણસિંહ ઓળખી જાય તો એ માંગે એ એને આપી દઉં, આમ એકસુંદરીનું રૂપ લઈને માતાજી ઉડણસિંહના ગાડાં ની આગળ આવીને બોલ્યા કે "ઓ ભાઈ મારે આમ ચારોલ ગામ સુધી જાઉં છે તો મને તમારા ગાડાંમાં બેસાડોને," એટલું સાંભળતા ઉડણસિંહએ ગાડું ઉભું રાખ્યું અને કહુય કે લ્યો બેસી જાઓ ત્યારે ,પણ જોજો સરખા બેસજો નહીતો ગાડું ઉલળી જશે, આટલું સાંભળતા માતાજી અસલી રૂપમાં આવી ગયા અને ક્રોધે ભરાઈને બોલ્યા કે અલ્યા ઉડણસિંહ તે મને ઓળખી નહિ? હું માતા મેલડી છું, આજે તે મારી મશ્કરી કરીને મને જાકારો આપ્યો છે, એટલે આજથી મારા ને તારા અન્નજળ પુરા થયા, હું અહીંથી પાછી પાટડીબજાણા પછી જાઉં છું, પણ વાંઝિયામેણું ભાંગવાનું મારુ આપેલું તને વચન ચારોલ માં બેઠેલી માતા વિહત પૂરું કરશે, આમ ઉડણસિંહતો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને બે હાથ જોડીને માતાજીને મનાવવા લાગ્યો પણ માતાજી તો ત્યાંથી અદૃશ્ય થઇ ગયા,
પછી તો ત્યાંથી આગળ ચાલતા ચાલતા ડોલણ તલાવડી પાસે આવે છે ને ત્યાં તેના બળદગાડાં નું ધોંશરૂ તૂટી ગ્યું. કુટુંબ કબીલો અને માલ સામાન ત્યાં તળાવની પારે ઉતારીને ગાડું ખાલી કર્યું અને ઉડણસિંહ ચારોલ ગામમાંથી નવું ધોંસરું લઇ આવ્યા અને બદલ્યું, અને જુના ધોંસરાનો ત્યાં તલાવડીની પારે ઘા કર્યો અને તે ધોંસરું ત્યાં પાર પર ખૂંચી રહ્યું , હવે માં વિહતને કૈક પરચા પૂરીને જગતમાં એમનો મહિમા વધારવો હશે .
આમ કરતા કરતા તેઓ ચારોલ ગામ આવ્યા અને ત્યાં તેમની બજાણીયા ની રમત શરુ કરી,પછી તો એણે ચારોલ ના ગોપી પટેલને અરજ કરી કે બાપા મારે સાત સાત બૈરાં છે તો પણ મારે એકેય સંતાન નથી, તમે ચારોલ ની માતા વિહતને અરજ કરીને કહોને કે અમારું વાંઝિયામેણું ભાંગે, અમે મોટી આશા લઈને તમારે શરણે આવ્યા છીએ બાપા,
આમ બાષા ભેગા થઈને માતા વિહતના મઢ માં આવીને પાટ માંડે છે, અને ગોપી પટેલના કોઠે હાકોટા કરતી માતા વિહત આવે છે, ઉડણસિંહ અને એના સાત બૈરાં સૌ સાથે મળીને માતાજીને અરજ કરે છે એટલે માતાજી બોલ્યા કે ખમ્મા દીકરા ઉડણસિંહ, જ હું તને એક નહિ પણ તારી સાતેય બાઈઓને એક એક દીકરો ના આપું તો હું ગોપી પટેલની માતા વિહત નહિ, "ત્યાંતો સભામાં બેઠેલા લોકો બોલ્યા કે પરંતુ માંડી એનું કંઈક પરમં આપો માંડી, એટલે માતા વિહત કહે છે કે તારા ગાડાંનું ભાંગેલું ધોંસરું જે ડોલણ તલાવડીની પારે ફેંક્યું છે એ કાલે સવારે જઈને જોજે એમાં વડની કુપણું ફૂટી હોય તો જાણજે કે માતા વિહત બોલી હતી,
પછી તો કહેવાય છે કે બીજા દિવસે સવારે ઉડણસિંહ ડોલણ તલાવડીની પારે જઈને જુએ છે તો સૂકા ભઠ ફેંકેલા ધોંસરા માં વડની કુંપણો ફૂટી છે, આ જોઈને તેને હરખનો પાર ના રહ્યો, અને ત્યારથી માં વિહત ધોંહરિયા વડ વાળી વિહત તરીકે ઓળખાઈ,
અને સમય થતા ઉડણસિંહને ઘેર એક પછી એક સાતેય બાઈઓને સાત દિરકાઓ જન્મ્યા, આમ પટેલના મુખેથી માં વિહત બોલ્યા એ વાણી સાચી પડી અને ઉડણસિંહના ઘરે સોનાનો સૂરજ ઉગ્યો, પછી તો દીકરાઓ થોડા મોટા થયા એટલે ઉડણસિંહએ માતાજી ના મઢે આવીને માતાજી ના નૈવેદ્ય કર્યા, જાતર કરી અને જગદંબાના ગુણ ગવાયા.
તો આ હતો ચરોલની ગોપી પટેલની વિહતમાં, ધોંહરિયા વડવાળી વિહતમાંનો પ્રગટ પરચાનો ઇતિહાસ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો