સોમવાર, 27 ડિસેમ્બર, 2021

indrapura gam ni ada marag ni maa meldi no itihas ઈન્દ્રપુરા ગામની આડા મારગની માં મેલડી નો ઇતિહાસ

indrapura gam ni ada marag ni maa meldi no itihas 

ઈન્દ્રપુરા ગામની આડા મારગની માં મેલડી નો અનેરો અને અદભુત ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, 

આજે આપણે ઈન્દ્રપુરા ગામ ના આડા મારગ ની મેલડી માં ના ઇતિહાસ વિષે વાત કારીશું.

અમદાવાદ જિલ્લા ના દેત્રોજ તાલુકા નું અંતરિયાળ વિસ્તાર માં આવેલું એવું આ ઇન્દ્રપુરા ગામ દેત્રોજ ચોકડી થી પાંચેક કિલોમીટર ના અંતરે આવેલું છે. આશરે 500 જેટલી વસ્તી ધરાવતા આ નાનકડા ગામ માં પટેલો ની વસ્તી ની સાથે ઠાકોર, પ્રજાપતિ, હરિજન, નાડીયા ની વસ્તી આવેલી છે.

ગામલોકો ના કહેવા પ્રમાણે આશરે 250 વર્ષ પહેલાની આ વાત છે. એ વખતે પણ ઈન્દ્રપુરા ગામના પટેલો નો મુખ્ય વ્યવસાય ખેતી જ હતો. એટલે આજુબાજુ ના ગામોમાંથી વાડા વસ્તી ખેતર માં મજૂરી કરવા આવતા હતા. આ ગામ માં નારણભાઇ નાડીયા રહેતા હતા અને તેમના બીજા ભાઈ સવાભાઈ નાડીયા બાજુના ગામ મારૂસણા માં રહેતા હતા. આ બંને ભાઈઓ પોતાની આજીવિકા માટે મોરની પીંછીઓનો ધંધો કરતા હતા.  બંને ભાઈઓ મોરની પીંછીઓ ખરીદવા દૂર દૂર સુધી ના ગામોમાં જતા.

એક દિવસ બન્યું એવું કે આ બંને ભાઈઓ ગામથી દૂર જતા રહ્યા,  દિવસ આથમવાનો સમય થઇ ગયો હતો એટલે બંને ભાઈઓ રાત વિસામો કરવા માટે રોકાયા. આ ગામ નું નામ મજેઠી હતું. આ બંને ભાઈઓ ત્યાં એક ભંગી ના ઘરે રાત રોકાઈને ત્યાં વારુ પાણી કર્યા. ભંગી પોતાના ઘર માં ત્રણ માતાજી ની પૂજા કરી રહ્યો હતો એટલે આ બંને ભાઈઓ એ આ ત્રણ માતાજી માંથી એક દેવી ને પોતાની સાથે લઇ જવાનો વિચાર કર્યો. આ બંને ભાઈઓએ પેલા ભંગી ને વાત કરી એટલે સવારે ભંગીએ એક દેવીનું કોડાયું અને લાલ કંકણ આપતા કહ્યું કે "લો આ દેવી ની સવાર સાંજ પૂજા કરજો. અને હા આ દેવી નું મનથી સમરણ કરીને તમે જે કહેશો એ કામ તમને સવા ત્રણ ઘડી કે સવા ત્રણ દિવસ માં ના કરી આપે તો માં મેલડી ના કેવાય."  સવાભાઈએ તો આ કોડાયું અને લાલ કંકણ પોતાની પાઘડી ના છેડામાં બાંધી પાઘડી માથે મૂકી બંને ભાઈઓ ઘર તરફ ચાલતા થયા.

બંને ભાઈઓ ઘરે પહોંચવા આવ્યા એટલે વિચાર કરે છે કે બંને માંથી કોના ઘરે દેવી ને બેસાડવી. સવાભાઈ વિચાર કરીને માં મેલડી ને મારૂસણા માં પોતાને ઘરે લઇ ગયા. પછી તો સવાભાઈ રોજ માં મેલડી ની  સવાર સાંજ પૂજા કરવા લાગ્યા. એક દિવસ સવાભાઈ ના મનમાં વિચાર આવ્યો કે પેલા ભંગીએ કહ્યું હતું કે આ માં મેલડી ને સમરતા જ સાડા ત્રણ ઘડી કે સાડા ત્રણ દિવસમાં તમારું કામ પાર પાડશે, તો લાવને માની પરીક્ષા કરી જોઉં. એવો વિચાર કરી સવભાઈએ હાથમાં પાણી લઇ માં મેલડી ને સમરી ને કહ્યું કે "જો તું  હાજરા હજુર મેલડી હોય તો આ ગાય ઉપર પાણી છાંટતાજ  ગાય મૃત્યુ પામે." આમ કહી હાથમાં લીધેલું પાણી ગાય ઉપર છાંટ્યું અને તરત જ ગાય નીચે ઢળી પડી. આવો ચમત્કાર જોઈ સવાભાઈ ના સાંધા ગગડી ગયા. તેમણે તરત જ ઈન્દ્રપુરા આવીને તેમના ભાઈ નારણભાઇ ને આ વાત કરી અને કહ્યું કે "આ મેલડી ને તમે તમારા ઘરેજ લઇ જાઓ."

નારણભાઇ કોડાયું અને કંકણ લઇ ઇન્દ્રપુરા આવ્યા. રાત્રે તેમના મહોલ્લા ના બધાં ભેગા થયા અને ભુવા બોલાવવામાં આવ્યા અને નક્કી થયું કે આ દેવી ને આપણા મહોલ્લા માં તો ના જ રખાય. પરંતુ ઈન્દ્રપુરા નો સીમાડો જ્યાં પૂરો થાય તે જગ્યા ઉપર તેને બેસાડીએ.

સવારે મહોલ્લા ના લોકો માં ને લઇ ઇન્દ્રપુરાથી ઘેલડા તરફ જતા આડો મારગ આવે છે ત્યાં જઈ મદ્રિસણા જવાના રસ્તા ઉપર કંકાયા ના ઝાડ નીચે આ વસ્તુ ને ભંડારી ઉપર પાંચ ઈંટની દેરી બનાવી અને માં મેલડી ને આ કંકાયા ના ઝાડ નીચે બેસાડયા. પછી નારણભાઇ ના દીકરા જેઠાભાઇ ,જેઠાભાઇ ના દીકરા મગનભાઈ માં નો દર વર્ષે  નિવેદ્ય કરતા હતા.

પછી તો વર્ષો ના વર્ષો વીત્યા, છતાં તે ઝાડ નીચે જતા પણ લોકો ડરતા હતા. સમય બદલાયો -  સરકાર બદલાઈ , ધીરે ધીરે આજુબાજુ ના લોકો માં ની માનતા રાખવા લાગ્યા. માં દરેકની વચ્ચે રહીને ન્યાય આપવા લાગી. ધીરે ધીરે માં મેલડી નો મહિમા વધવા લાગ્યો તેમ તેમ આજુબાજુ ના ગામ ઘેલડા, કુકવાય, હઠીપુરા, દેત્રોજ, દેકાવાડા, મારૂસણા, નાથપુરા, અબાસણા, મદ્રિસણા, ફતેપુરા તથા આજુબાજુ ના ઘણા ગામો માંથી માં ના ભક્તો દર્શન કરવા આવવા લાગ્યા. પછી તો સૌ લોકો અનેક માનતાઓ માનવા લાગ્યા. માં મેલડી કોઈની ચોરાઈ ગયેલી વસ્તુ પાછી અપાવે, તથા કેટલાંય વાંઝીયા ના પારણા બંધાવ્યા. બીજા અનેક અટવાયેલા કામો માં પૂર્ણ કરવા લાગી. 

હાલની જ વાત કરીયે તો બાજુના ગામ નાથપુરામાં માં મેલડી ના ભક્ત એવા વાઘુભાઈ રબારી રહે છે. તેઓને માં મેલડી ની માયા લાગી અને દર રવિવારે માતાજી ના દર્શને આવતા હતા. અચાનક એક વખત તેમને જીવલેણ બીમારી થતા બે વર્ષ સુધી ખાટલા માં પડ્યા. તેમણે માં ની માનતા માની અને કહ્યું કે " હે માં મેલડી મારે તો પણ તું અને જીવાડે તો પણ તું" તેમને માં મેલડી પર અતૂટ શ્રદ્ધા હતી એટલે માં ના આશીર્વાદ થી તેઓ ચમત્કારિક રીતે ચાલતા થઇ ગયા. વાઘુભાઈ રબારી ના મનમાં વિચાર આવ્યો કે માતાજી ની દેરી ઉપર આરસ નું સિંહાસન બનાવડાવું. 

હાલમાં વાઘુભાઈ રબારી અને ઈશ્વરભાઈ નાડીયા આ મેલડી માં ના ભુવાજી છે. થોડાજ સમય પહેલા માં ની દેરી ઉપર આરસ નુ સિંહાસન બનાવવાનું ચાલુ કર્યું, એવામાં ઇન્દ્રપુરા ની કુંવાસી માતાજી ના દર્શન કરવા આવી હતી. ત્યારે તેણે સિંહાસન નું કામ ચાલી રહેલું જોઈ માનતા રાખી કે હે માં મેલડી મારા અટવાયેલા રૂપિયા તું પાછા લાવી આપે  તો  મારી શક્તિ પ્રમાણે માતાજી નો ફોટો આ સિંહાસન ઉપર પધરાવીશ. માત્ર સાડા ત્રણ દિવસ માં  આ કુંવાસી ના સાતેક લાખ રૂપિયા નો ન્યાય હાલ ની હાઈસ્પીડ હાઇકોર્ટ એવી માં મેલડી એ આપ્યો.

હમણાંજ તારીખ 14/12/21 ને મંગળવાર માગસર સુદ-અગિયારસ ના શુભ દિવસે વાજતા ગાજતા વધામણાં સાથે આડા મારગની મેલડીમાં ના ફોટા ની સ્થાપના કરવામાં આવી. આવાતો અગણિત પરચાઓ માં મેલડીએ પૂર્યા છે અને દરેક ની મનોકામનાઓ મારી આ હાલ ની હાઇકોર્ટ એવી આડા મારગની માં મેલડી પૂર્ણ કરી રહી છે.

એક નાનકડી દેરી માંથી એક ભવ્ય મંદિર બનાવવા પાછળ વાઘુભાઈ રબારી,રણુભા દરબાર, ભીખાભાઇ, કનુજી ઠાકોર, ભાઈલાલજી ઠાકોર   તથા મારા ઈન્દ્રપુરા ગામ ની સાથે સાથે આજુબાજુ ના ગામો નો પણ ઘણો સાથસહકાર રહેલો છે.

તો  મિત્રો તમે માં મેલડી ને માનતા હોવ તો આડા મારગ ના આ મેલડી માં ના મંદિર ની મુલાકાત લઇ, હાલ ના કળિયુગ ની દેવી તરીકે જગ પ્રસિદ્ધ માં મેલડી ના દર્શન નો અમૂલ્ય લ્હાવો લેવા જરૂરથી પધારજો. 

મિત્રો વિડિઓ ના ડિસ્ક્રિપ્શન માં મંદિર નું સરનામું આપવામાં આવેલું છે. 

દર્શકમિત્રો આડા મારગ ની માં મેલડી તમારા સૌની મનોકામના પૂર્ણ કરે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...