નાથા કોળી ની મેલડી ।। ઝાંપાવાડી માં મેલડી માં નો ઇતિહાસ ।। દીકરી ના પોકાર ની મેલડી માં
નમસ્કાર મિત્રો ,આજે અપને ઝાંપાવાડી માં મેલડી માં ના ઇતિહાસ ની વાત કરીશું,
ઘણાય વર્ષો પહેલાની આ વાત છે, જૂનાગઢ માં ગરવો ગઢ ગિરનાર છે, ગિરનારની બાજુમાં નાનું એવું રળિયામણું હાંકરોડા ગામ આવેલું છે. આ ગામમાં એક નાથો કોળી રહેતો હતો. તેના ઘરમાં ગરીબાઈ ભરડો લઇ ગયેલી, ઘરમાં બે પૈસા પણ નથી, પરંતુ એની મિલ્કતમાં નાનું એવું ઝૂંપડું છે અને એની ફરતે કાંટાની વાળ છે, આ ઝુંપડા ના છાપરે માં નો નાનો એવો કરંડિયો લટકે છે. અને તેમાં માં મેલડી નું ફળું છે, બસ આજ એની મિલકત છે.
ઘરમાં તેની પત્ની, આંઠ વર્ષની દીકરી અને નવ વર્ષનો તેનો ભાઈ રહે છે. સવાર પડે એટલે નાથો હાથમાં કુહાડો લઈને વન વગડા માં રોજ લાકડા કાપવા જાય, અને લાકડાને બજારમાં વેચીને એમાંથી જે બે ચાર પૈસા મળે એમાંથી એની પત્ની અને એના બાળકોના પેટ ભરે.
જે કઈ મળે એમાંથી બટકું ખાઈ ને પાણી પી ને દિવસો વિતાવે છે,
એક દિવસની વાત છે, રોજની જેમ તે હાથમાં કુહાડો લઈને વનવગડા માં લાકડા કાપવા જાય છે, લાકડાને શોધતા શોધતા તે 2-4 ગાઉ દૂર જતો રહે છે અને ત્યાં તેની નજર એક મોટા બાવળ પર પડે છે, આ જોઈને તે રાજી થઇ જાય છે અને માં મેલડી નો આભાર માનતા કહે છે કે હે માંડી આજે તો તે તારા છોરુંડા પર કૃપા કરી દીધી, આટલા મોટા બાવળ ના લાકડાંમાંથી મારે દસેક દિવસનું ગુજરાન તો ચાલી જ જશે, ત્યાં સુધી મારે આમ તેમ ભટકવું પણ નહિ પડે,
એટલું વિચારીને તે બાવળના એક ડાળ પર ચડીને કુહાડાના ઘા કરવા લાગ્યો , પણ નાથા ને ખબર નથી કે આ બાવળમાં એક કાળોતરો નાગ રહેતો હતો, નાથો કુહાડાના ઘા બાવળની ડાળ પર કરતો જાય છે ત્યાંતો બાવળના થડના પોલાણમાંથી એક કાળોતરો નાગ ઉપર ચડે છે, અને નાથાના પગના અંગુઠે ફડાક કરતો ફેણ ચડાવી ડંખ મારે છે. અને નાથો કોળી આમ જ્યાં નીચે નજર કરે છે ત્યાંતો તે મોટો કાળોતરો નાગ જુએ છે. આ નાગને જોઈને તેના હાથમાંથી કુહાડો નીચે પડી જાય છે અને તે ડરી ગયો હોવાથી તેનું શરીર ઢીલું પડી જાય છે અને તે ઝાડ પરથી નીચે પડે છે, શરીરમાં હજુ તાકાત હતી એટલે મુઠી વાળીને બધી તાકાત એકઠી કરીને વિચાર કર્યો કે લાવને હજુ દોડીને મારા ઝૂંપડે પહોંચી જાઉં, મારે મરતા પહેલા મારી પત્ની અને બાળકોને જોવા છે,
આમ નાથો વનવગડા માં અથડાતો પડતો ઉભો થતો થતો તેના ગામના ઝાંપે આવે છે, ત્યાંતો એનું શરીર લીલું કાચ જેવું થઇ જાય છે, રગે રગમાં નાગનું ઝેર પ્રસરીને મોઢામાંથી ફીણ નીકળી જાય છે અને નાથો પોતાના દેહને ઝાંપામાંજ પડતો મૂકે છે,
ઝાંપે બેઠેલા વડીલો જોઈ ગયા કે અરે આતો નાથો છે, બધા દોડતા નાથા પાસે આવે છે, નાથો હજુ શ્વાસ લઇ રહ્યો હતો, એટલે બધાએ પૂછ્યું કે નાથા શું થયું તને, નાથો બોલ્યો કે મને એક કાળોતરો નાગ કરડ્યો છે. માટે મરતા પહેલા મારી પત્ની અને બાળકો ને જોવા છે , મારા ઝૂંપડે લઇ જાઓ બાપા, એટલું સાંભળીને વડીલો નાથા ને ઉંચકીને તેના ઝૂંપડે લાવે છે,
અહીંયા ઝૂંપડામાં એની પત્ની રોટલો ઘડતી ઘડતી બહાર આવીને જોવે છે તો નાથો અધમરી અવસ્થામાં હતો ,આ જોઈને તેની પત્ની દોડતી નાથા પાસે આવીને પૂછે છે કે શું થયું છે તમને.
ત્યાંજ નાથો બોલ્યો કે તું મારુ એક કામ કર, પેલા કરંડિયા ને નીચે ઉતારી ને એનું ઢાંકણું ખોલીને જો તો મારી મેલડી એમાં છે કે ક્યાંક ચાલી ગઈ છે, મને માં પર વિસ્વાસ તો છે જ કે માં મેલડી નું જે બની જાય છે એને માં મેલડી ક્યારેય કમોતે મરવા દેતી નથી. જો મરવા દે ને તો એ માં મેલડી ના કહેવાય,
ત્યાંતો એની પત્ની કહે છે કે માં ક્યાંય જાય, અહીં માં તો કરંડિયામાં બેઠી છે, નાથો કહે છે કે મારા છોકરા ક્યાં છે, એની પત્ની કહે છે કે બાળકો તો નિશાળે ગયા છે, ત્યાંતો નાથો બોલ્યો કે મારા બાળકોને બોલાવો , મારે એમના મોઢા જોવા છે, પણ આટલું બોલતા તો એના પ્રાણ પંખેરું ઉડી જાય છે, એનું ખોરીયું ખાલી થઇ જાય છે,
તેની પત્ની માથા પછાડી ગાંડી તુર બને છે, આસ પડોસ ના માણસો ભેગા થઇ જાય છે ,અને તેની પત્નીને લઈને એને એક બાજુ બેસાડે છે અને નાથા ની સ્મશાન યાત્રા ની તૈયારી થાય છે,
આ બાજુ બેઉ બાળકો નીશાળેથી છૂટીને હસતા રમતા ઘરે આવે છે,અને આવીને જુએ છે તો તેમના બાપુનું શબ પડ્યું છે, બંને બાળકો એકધારું શબ ની સામું જોઈજ રાખે છે, તે કઈ બોલી શકતા નથી,
ગામના માણસો બંને બાળકોને ઝૂંપડામાં પુરીને દરવાજો બંધ કરી દે છે, અને નાથાની સ્મશાન યાત્રા નીકળે છે,
ત્યાંતો દરવાજા ની તિરાડમાંથી દીકરી જુવે છે અને કહે છે કે ભાઈ આપણા બાપુને આ બધા ક્યાં લઇ જાય છે, ત્યારે ભાઈ બહેનને રડતી બંધ કરતા કહે છે કે બહેન જયારે આપણા ઘરે બા બાપુ રડતા ત્યારે બાપુ રિસાઈને ચાલ્યા જતા ત્યારે એમને ગામના લોકો મનાવીને ઘેર પાછા લાવતા, પણ બહેન હવે આપણા બાપુ કાયમ માટે રિસાઈને ચાલ્યા ગયા છે, તે હવે કોઈ દિવસ પાછા નહિ આવે, તેમને કોઈ મનાવીને લાવે તેમ નથી,
બહેન કહે છે કે કોઈક તો એવું હશેને કે આપણા બાપુને મનાવીને પાછા લઇ આવે, ત્યારે ભાઈ કહે છે કે આપણા બાપુને મનાવવા માટે એક જ રસ્તો છે બહેન, અહીંથી ઉભી બજારે ગામના ચોક માંથ ઇથાઇ ગામના ઝાંપે જા , કે જ્યાં તોરણ બાંધેલા છે ,અને ત્યાં એક અડીખમ પથ્થર ઉભેલો છે, તે પથ્થર પર એક સિંધુરીયું ત્રિશુલ દોરેલું છે, એ કૈક કરે તોજ આપણા બાપુ પાછા આવે , બીજું તો કોઈ આ દુનિયામાં તેમને પાછા લાવવા વાળું નથી,
ત્યારે દીકરી દરવાજા પર માથા પછાડે છે એટલે બધા માણસો તેને બહાર કાઢે છે, કે છેલ્લી વાર તે તેના બાપનું મોઢું જોઈ લે, ત્યારે ભાઈ બહેન બહાર નીકળે છે અને દીકરી તો ઝડપથી કૂદીને ગામનો ચોક વટાવી પેલો સિંધુરીયો પથ્થર જ્યાં પડેલો છે ત્યાં આવીને આઠ વર્ષની દીકરી ગોઠણ વાળીને પોતાની ચૂંદડીનો છેડો પાથરીને હે માવડી, હે માવડી ના પોકાર કરે છે, અને ત્યાં સામેથી નાથાની સ્મશાન યાત્રા આવતી દેખાય છે, ઝાંપા પાસે શબયાત્રા આવી ત્યાંજ દીકરી બોલી કે હે માં મારા બાપુ તો ચાલ્યા ગયા, હવે તુજ કૈક કરી શકે તેમ છો માં, માં મને જવાબ આપ , પણ તેને કઈ જવાબ મળતો નથી.
ત્યારે દીકરી ને એમ થયું કે આ પથ્થરમાં તો કઈ નથી, પછી તો દીકરી ઉભી થઇ અને દસ ડગલાં પાછળ ચાલીને ઉભી રહી અને આકાશ સામે નજર કરી, આંખો બંધ કરીને બધી તાકાત ભેગી કરીને દોટ મૂકીને માં મેલડીના સિંદૂરિયા પથ્થર જેમ કોઈ શ્રીફળનો ઘા કરે એમ પોતાના દેહનો ત્યાં ઘા કર્યો, એનું કપાળ પથ્થર પર દોરેલા ત્રિસુલ સાથે ભટકાયું અને એનું કપાળ ફૂટી ગયું, કપાળમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી અને આ લોહી જેવું માંના દોરેલા ત્રિશુલ પર પડ્યું ત્યાંતો ત્રિશુલમાંથી લોઢાના દાંતની કકડાટી મારતી માં મેલડી જાગી, અને પથ્થરમાંથી ખમ્મા ખમ્મા નો ખમકારો થયો, પછી તો દીકરી પાછી ગોઠણ વાળીને પોતાનો ખોળો પાથરીને બેસી ગઈ અને કોણ બોલે છે એમ કહેવા લાગી, પથ્થરમાથી ગેબી અવાજ આવ્યો કે બેટા હું માતા મેલડી બોલું છું, શું જોઈએ છે તને ,
માડી મારો ભાઈ એમ કહે છે મારા બાપુ હંમેશા માટે રિસાઈને ચાલ્યા ગયા છે, અને કહે છે કે એમને તમારા વગર બીજું કોઈ મનાવીને પાછા નહિ લાવી શકે, માટે તમેજ માંડી મારા બાપુને મનાવીને પાછા લાવોને,
ત્યારે માં મેલડીએ કહ્યું કે દીકરી થોડીક વાર બાજુમાં જતી રે, તો દીકરી બોલી કે કેમ માંડી ,
ત્યારે માં મેલડી બોલ્યા કે દીકરી આ ગામમાં જેટલી માતાઓ બેઠી છે એને ભક્તો હસતા મોઢે જમાડે છે, પણ હું એકજ એવી માતા છું કે લોકો મને રડતા મોઢે જમાડે છે, શ્રીફળ નો છૂટો ઘા કરે મારી પર,
દીકરી બાજુમાં ઉભી રહી જાય છે અને કહે છે કે મારા બાપુને તમે મનાવીને બેઠા કરો,
પછી તો માં મેલડી બોલ્યા કે બેટા જયારે એક નારિયેળ નો ઘા કરે-ફૂટી જાય , બીજા નારિયેળ નો ઘા કરે-ફૂટી જાય , ત્રીજા નારિયેળ નો ઘા કરે -ફૂટી જાય, પણ ચોથું નારિયેળ જયારે કાંધીયાના હાથમાંથી છૂટે એટલે આ પથ્થરમાંથી એક ખાંડુળી સરી લઇ નાનકડી બાળકીનું રૂપ લઈને હું બહાર નીકળીશ, અને બેટા એ ચોથું નારિયેળ મારા પથ્થરની માથે આવે અને ફટ દઈને ફૂટે એ પહેલા જો મારી ખાંડુળી સરી લઈને તારા બાપના નમામી ના બંધ ના તોડી નાખું તો હું તારી મેલડી નહિ,
પણ દીકરી મને માત્ર તું જ જોઈ શકીશ, અહીંયા રહેલા બીજા કોઈ મને નહિ જોઈ શકે,
પછી તો કાંધીયા ના હાથમાંથી ચોથું નારિયેળ જ્યાં છૂટ્યું ત્યાં તો માં મેલડી પથ્થરમાંથી ખાંડુળી સરી લઈને બહાર નીકળી, અને નારિયેળ ફૂટે ના ફૂટે એ પહેલા નનામી ના બંધ ને તોડી નાખ્યા, અને મરી ગયેલા મડદા ના કપાળની માથે માં ભગવતીએ નાની એવી બાળકીના રુપે આવીને હાથ મૂકીને પાછા પથ્થરમાં સમાઈ ગયા.
ત્યાંતો હડપભેર નનામી માંથી નાથો કોળી બેઠો થયો, આ જોઈ ને સમશાન યાત્રા માં સાથે આવેલા લોકોમાંથી અડધા તો ખેપટિયાં લેતા દોડવા લાગ્યા,
આમ નાથો કોળી સજીવન થયો અને એની દીકરી પોતાના બાપને બાથે વળગી પડી.
નાથા કોળિયે કીધું કે બેઠા આ બધું શું થયું, એટલે પાસે ઉભેલા લોકોએ કહ્યું કે નાથા તારું ખોરીયું તો ખાલી થઇ ગ્યું તું , એટલે તને નાનામીમાં સુવડાવી સ્મશાનમાં લઇ જતા હતા, પણ આ ચમત્કાર કેવી રીતે થયો એ તો તારી દીકરી નેજ ખબર,
એટલે દીકરી બોલી કે બાપુ પથ્થર ની અંદર બેઠેલી માં મેલડીએ કર્યું છે આ બધું, અને ત્યારે દીકરીએ ફરીથી ખોળો પાથરીને એટલુંજ કહ્યું કે માંડી મને દર્શન આપ્યા તો મારા બાપુને પણ દર્શન આપને, મારા બાપુને તારા દર્શન ક્યારે થશે?,
ત્યારે નાની એવી ખાંડુળી સરી લઈને પથ્થર પર માં મેલડી ઉભી રહી, અને કહ્યું કે હે નાથા આજથી તારી ગરીબાઈને હું મેલડી પી જાઉં છું, પણ જા જા , ક્યારેય તને જો દુઃખ પડેને તો તું એટલુંજ બોલજે "ક્યાં ગઈ મારા ઝાંપા ના ખીલ વળી મેલડી?"
આટલું બોલે અને તારી દીકરીના ખોળિયે ના આવું તો જગતની માલીપા મને માં મેલડી ને કોઈ ના ઓળખે,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો