બુધવાર, 26 એપ્રિલ, 2023

ગોબરા ની મેલડી માં નો ઇતિહાસ

ગોબરા ની મેલડી માં નો ઇતિહાસ 

 નમસ્કાર મિત્રો, ગરીબ ગોબરની માં મેલડીમાં ના ઇતિહાસ ની વાત કરીશું,આ કળિયુગ માં મેલડી કેવીએ લીલાઓ કરે છે, જ્યાં જ્યાં માં મેલડીના ધૂળના ધડિમલા છે ત્યાં ત્યાં માં મેલડી માં હાજર હજુર બેઠા છે,માં પરચાઓ પુરે છે, માં મેલડીના ઘણાય બાનાધારી ભૂવાઓ થઇ ગયા, જેણે માં જગદંબા સાથે વેણે વાતો કરી, એવોજ એક માં મેલડીનો બનાધારી ભગત હતો - ગોબરો...., ગોબરો માતાજી સાથે સાક્ષાત વેણે વાતો કરતો અને રોજ માં ના ધૂપ દીપ કરીને માં ની સેવાપૂજા કરતો , અને માં મેલડીએ નવખંડમાં ગોબરનું નામ અમર કરી દીધું, 

આજથી આશરે 150 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે, ભાવનગર પરગણા માં ગોહિલવાડ ના ગોંદરે રાજપર નામનું ગામ આવેલું છે, માતાજીને કેમ ભજાય અને માં ની ભક્તિ કેવી હોય તે આ વાર્તા માં છે, રાજપર ગામમાં અઢારે વર્ણ રહેતા હતા, એમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું, જેને ગરીબાઈ ભરડો લઇ ગયેલી, તૂટેલા છાપરા માં ખાવા મુઠી જાર ના મળે, 

ઘરમાં એક ડોસો- ડોશી એમના સાત દીકરા સાથે રહેતા હતા, માતાજી લીલાઓ કરે છે, અને સાતેય દીકરા નાના હતા ત્યારેજ માવતર એમને નોધારા મેલીને ગામત્રે ચાલ્યા જાય છે, નાના ભાઈઓની જવાબદારી સૌથી મોટા દીકરા ગોબરા પર આવે છે, જતા જતા એના બાપાએ એને માં મેલડીનો કરંડિયો આપેલો અને કહેલું કે માં ની રોજ સેવા પૂજા કરજે દીકરા, આમ ગોબરો રોજ મજૂરી કરવા જાય અને જ્યાં પણ જાય ત્યાં સાથે માં મેલડીનો કરંડિયો લેતો જાય, છૂટક છવાઈ મજૂરી કરતાં કરતાં એક દિવસ ગામના એક ખેડૂત પાસે જાય છે અને કહે છે હે બાપૂ મને તમારા ખેતરના શેઢે એક નાનું છાપરું બાંધવા દ્યોને, મારા છ નાના ભાઈઓ તમારા ઢોર ચરાવશે, છાણ-વાંસીદા કરશે, અને હું તમારા ખેતરમાં ખેતી કામ કરીશ, જેથી મને અને મારા છએ ભાઈઓને સાંજ પડતા રોટલો તો મળી રહે, ખેડૂત માની જાય છે અને પછી તો ગોબરો ખેડૂતને ત્યાં ખેતમજૂરી કરવા લાગે છે, 

એક દિવસની વાત છે, ખેતર ખેડતા ખેડતા બપોર થઇ એટલે તે શેઢે આવેલા એક ઠુમરી ના ઝાડ નીચે જઈને રોટલો ખાય છે અને તયાંજ થડના ટેકે સુઈ જાય છે, ત્યાંતો સપનામાં માં મેલડી આવે છે અને કહે છે કે "દીકરા ગોબરા હું તારા બાપદાદાની મુડી, કરંડીયામાં બેઠેલી માં મેલડી બોલું છું, દીકરા ગોબરા મને સાથે લઈને તું આમ ક્યાં સુધી ભટકીશ, મારે હવે ક્યાંક બેસવું છે દીકરા,એક કામ કર,તું આ ઠુમરીના ઝાડ નીચેં મારુ સ્થાપન કર દીકરા"  

આમ માં મેલડી ની મરજી પ્રમાણે ઠુમરીના ઝાડ નીચે ગોબરાએ માતાજીનું સ્થાપન કર્યું ,અને પછી તો માં નું ધ્યાન ધરે અને રોજ ધૂપ દીપ કરીને માં ની ભક્તિ કરતો, સમય જતા એના લગ્ન થયા અને બંને જણ માં ની સેવા કરતા હતા, 

ધીરે ધીરે સમય પસાર થાય છે અને એક દિવસ એવું બને છે કે , ગોબરા ની ગરીબાઈ દૂર કરવા માં મેલડી પરચાઓ પુરે છે, એવામાં રાજપર ગામને સીમાડેથી કાશી ના વિદ્વાન પંડિત રાજગોર બ્રાહ્મણો નીકળે છે, સાથે રાજદરબારનો ખજાનો છે, સાત સાત ઘડુલા સોના ચાંદીના દાગીના થી ભરેલા છે, તેઓ વિચાર કરે છે આ ગામને સીમાડે આપણે આ ચરુ ને દાટી દઈએ,અને વળતા પાછા અહિયાંથી લેતા જઈશું, આમ એક બોરડીના જારા પાસે ઊંડો ખાડો કરીને એમાં ચરુ દાટી દે છે અને ઉપર એક સિંદૂર વાળો પથ્થર મૂકી દે છે, પછી તો માં મેલડીએ લીલા કરી અને મધરાતે માં મેલડી ગોબરા ના સપને આવ્યા, અને કહ્યું કે દીકરા ગોબરા ઉભો થા, જા તારા છએ ભાઈઓને બોલાવ, અને સાંભળ રાજપરાના સીમાડે બોરડીના જારા પાસે  એક સિંદૂર વાળો પથ્થર દેખાય તો એની નીચે સોના ચાંદીથી ભરેલા ચરુ છે, હું મેલડી તને ખજાનો દેવા આવી છું દીકરા,"

ત્યાંતો ગોબરો રાજી થઇ ગયો અને સવાર પડતાંજ છએ ભાઈઓને સાથે લઇ ગયો અને સીમાડે જઈને સિંદૂર વાળો પથ્થર શોધ્યો અને ત્યાં ખોદીને જોયું ત્યાં તો એમાંથી ચરુ નીકળ્યા, એક પછી એક એમ સોના-ચાંદીના ભરેલા સાત ઘડા નીકળ્યા, ગોબરાએ સાતેય ઘડા પોતાના ભાઈઓને આપી દીધા અને કહ્યું કે ભાઈઓ આ બધી માયા તમારી છે, છ એ ભાઈઓ સંપીને વહેંચી લેજો, મારે કાંઈ નથી જોઈતું, મારે તો મારી માં જે આપે એ મહેનત મજૂરી કરીને ખાવું છે, અને પછી માં મેલડીની નિરાંતે ભક્તિ કરવી છે, 

આમ પોતાના છએ ભાઈઓની માયાથી ભરેલા ચરુ આપ્યા અને છએ ભાઈઓના ઘરે  લીલા લહેર થઇ ગયા, પાકા મોટા મકાન છે, આંગણે દૂઝણાં ઢોર છે, અને આ બાજુ ગોબરા પાસે માં મેલડીના એક કરંડિયા સિવાય બીજું કાંઈ નથી, ગોબરો અને એની પત્ની મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, અને રોજ સવાર સાંજ માં મેલડી ની ભક્તિ કરે છે,અને માં મેલડી સાથે ગોબરો  સાક્ષાત વેણે વાતો કરે છે ,

એવામાં એક દિવસ એવું બન્યું કે આંગણે બે મહેમાન મા મેલડીના મઢમાં પોતાનું દુઃખ લઈને આવે છે, ગોબરો મહેમાન ને માનભેર આગતા સ્વાગત કરીને ચા પાણી કરાવે છે , અને કહે છે કે બપોરનું ટાણું છે ,તમે રોટલા ખાઈને જ જજો ,પછી ગોબરની પત્નીએ ઘરમાં જે થોડો લોટ પડ્યો હતો એના બે રોટલા ઘડ્યા અને હાથમાં તાહળી લઈને ગામમાં પોતાની દેરાણી ના ઘરે છાછ લેવા જાય છે, પરંતુ છએ દેરાણીઓ એ કહ્યું કે આજે તો વલોણું ચલાવ્યું જ નથી,એટલે ગોબરાની પત્ની કહે છે કે તો તમારા ખાવામાંથી થોડી બે વાટકી છાછ આપી દ્યો ,ઘરે માં મેલડીના મઢે મહેમાન આવ્યા છે માટે, 

ત્યાંતો દેરાણી બોલ્યા કે મહેમાન જ્યાંના હોય યાના, એ અમારે ને મેલડીને કાંઈ લેવા દેવા નહિ હોં, એ જાઓ છાનામાના હાલતા થાઓ, 

ત્યાંતો ગોબરાની પત્ની બોલી કે ભલે બાપા જેવી તમારી મરજી, આમ કહી નેંહાકો નાખીને ત્યાંથી ઘરે પાછી આવી, અને મહેમાનોને રોટલો ને મરચું આપ્યા, ને મહેમાન સમજુ હતા એટેલે એમણે કહ્યું કે કાંઈ વાંધો નહિ બાપા જે હશે એ ખાઈ લેશું, આમ મહેમાને રોટલા ખાધા અને જતા રહ્યા.

ગોબરો આ બધું જોઈને ખુબ દુઃખી થયો અને ઓશિયાળું આંસુડું પાડીને કહ્યું કે હે માં મેલડી વહુઓ તો પારકી છે પણ મારી માં ના જણ્યા છ ભાઈઓ તો મારા પોતાના છે ,એમને પણ દયા ના આવી અમારી પર ,

માં મેલડીથી આ જોવાયું નહિ અને કરંડિયામાંથી માં મેલડી બોલી કે ગોબરા સાંભળ તારા એ છએ ભાઈઓ હવે એ તારા રહ્યા નથી, ઘરમાં છાછ હતી તો પણ આપી નહીં, એ મહેમાન ગરીબ ગોબરના નોહતા ,એ માતા મેલડીના મહેમાન હતા, તેઓએ મારુ મેલડીનું અપમાન કર્યું છે ગોબરા, અને જતા જતા એમ પણ કહ્યું હતું કે મારે ને મેલડી ને કાંઈ લેવા દેવા નહિ, તો ગોબરા તારે તારા ભાઈઓનું થઈને રહેવું છે કે મારુ મેલડી નું?

ત્યારે ગોબરાએ કહ્યું કે માંડી હું તો તારોજ છું અને તારોજ થઈને રહેવાનો છું,

, તો સાંભળ ગોબરા આજથી તારે તારા ભાઈઓ સાથે કાંઈ લેવાદેવા નથી,

 થોડો સમય પસાર થયો અને એક દિવસ માં મેલડી ગોબરના સાપને આવીને કહે છે કે હે દીકરા ગોબરા ,હું તારી દેવી મેલડી બોલું છું, દીકરા મને મેલડીને જમવાની ઈચ્છા થઇ છે, મને મેલડી ને જમાડ, મારે જમવું છે, મારા તાવ મંડાવ, "

ગોબરો કહે છે કે હે માંડી હું તમને જરૂર જમાડું પણ મને મારા ભાઈઓ પાસે જવા દ્યો, પછી માંડી જગતમાં કોઈને એમ ના થાય કે માતાજીના નિવેદ્ય કર્યા ને ભાઈઓને ના કીધું, માંડી તું રજા આપતી હોય તો ભાઈઓ પાસે જતાવું, પછી એમની જેવી મરજી, "

માતાજી કહે છે કે ભલે મારા ગોબરા ,પણ જોજે હો. . . 

આમ ગોબરો છ એ ભાઈઓને મળીને વાત કરે છે કે મારે માં મેલડીને જમાડવી છે, તમે છ એ ભાઈઓ વધારે કાંઈ ના આપો તો એક સવા સવા રૂપિયો જો આપો તો માતાજીના નિવેદ્ય કરવા છે , ગોબરા એ આજીજી કરી છતાં પણ તેઓ કહે છે કે અમારે ને મેલડીને કાંઈ લેવા દેવા નથી, આમ ભાઈઓ કોઈ માન્ય નહિ, કોઈએ આવકારો આપ્યો નહિ, 

ઝૂંપડી માં આવીને ગોબરાએ જોયું તો એક કોરી પછેડી પડી હતી એ લઈને હાટડીએ ગયો એમ વિચારી ને કે લાવને આનું કઈ આપે તો પાંચશેર ઘઉં લેતાઉ , 

આમ પછેડી લઈને ગોબરો હાટળીએ જાય છે, અને કહે છે કે લ્યો શેઠ આ નવી અને કોરે કોરી પછેડી, અને આના બદલામાં મને સવા પાંચશેર ઘઉં , એક શ્રીફળ અને એક અગરબત્તી નું પડીકું આપો, મારે માં મેલડીના નિવેદ્ય કરવા છે, અને મારા દાળી ના પૈસા આવશે એટલે બે ત્રણ દિવસ માં પછેડી છોડાવી જઈશ, પણ વાણિયો ભલો હતો એટલે એણે કહ્યું કે અરે ગોબરાભાઈ, આ પછેડીને મારે શું કરવી છે, તમારે જો માતાજીને જમાડવા હોયને તો આ સીધું સામાન લઇ જાઓ , અને પૈસા જયારે થાયને ત્યારે આપી જજો ,તમારા જેવા બાનાધારી સેવકને ના નો પડાય, 

આમ ગોબરો સીધું સામગ્રી લઈને ઘરે આવે છે અને માતાજીનો નવરંગો માંડવો નાખે છે, માતાજીના નિવેદ્ય થાય છે, 

બીજી બાજુ છ ભાઈઓને ઘેર માતાજી રમત્યું માંડે છે, અને સવા વેતની નાગણી બનીને છએ ભાઈઓ જ્યાં સુતા હતા ત્યાં આવીને એક પછી એક એમ છએ ભાઈઓને ડંખ દીધા, અને છએ ભાઈઓ ધરતી માથે ઢળી પડ્યા, ઘડીકમાંતો આખાય ગામમાં કાળો કકળાટ થઇ ગયો, ગામની સૌ વાડા વસ્તી ભેગી થઇ જાય છે, 

ગામનો એક માણસ ઝટ ગોબરાને જઈને વાત કરે છે કે "ગોબરા ભાઈ ઝટ ગામમા ચાલો ,મોટો અનર્થ થઇ ગયો, તમારા છએ ભાઈઓને નાગણીએ ડંખ દીધો છે,અને એમાંથી એકેય નથી રહ્યા "

આ સાંભળતાજ ગોબરો સ્તબ્ધ થઇ જાય છે અને ચોધાર આંસુડે રડવા લાગે છે, અને રડતા રડતા કરું પોકાર કરે છે કે અરે મારી માવડી ,અંતે તે તારું ધાર્યુંજ કર્યું, માંડી અમે તારા છોરુંડા છીએ, મારાથી નાના ભાઈઓ આ દુનિયા છોડી દે તો હું કયા મોઢે જીવું, મારા પણ પ્રાણ લઇ લે માંડી , અને "મારા ભઈલાઓ ,મારા ભઈલાઓ" કરતા કરતા પોક મૂકીને રડે છે, 

ગોબરો માતાજીના મઢે જાય છે અને માતાજી પાસે રજા માંગે છે, અને અરજ કરતા કહે છે કે હે માંડી મને મારા ભાઈઓના અંતિમ સંસ્કારમાં જવા દે નહીતો આ જગત કાલે સવારે મારી અને મારી માં મેલડી ની વાતું કરશે, અંતે માં મેલડી માની જાય છે અને કહે કે ભલે ગોબરા તું જા એમના ઘરે અને હું જાઉં ઝાંપાનાં ખીલ માં, 

આમ ગોબરો ભાઈઓ ના ઘરે આવે છે ભાઈઓના મોઢા જોઈએને માથા પછાડવા લાગે છે, ત્યાંતો ગોબરાને સંભળાય એ રીતે આકાશવાણી થાય છે અને માં મેલડી કહે છે કે ગોબરા ,હું ઝાંપાના ખીલ માં સવા વેંત ની નાગણી થઈને બેઠી છું, અને બીજા વિસામે તારા છએ ભાઈઓની નનામીના બંધન છોડાવી સજીવન કરું તો માનજે કે હું મેલડી બોલીતી, 

પછી તો છએ ભાઈઓની નનામી લઈને ઝાંપાના ખીલ પાસે આવે ને અને નનામી ને જ્યાં વિસામો દીધો, અને નનામીને હેઠી મૂકી ત્યાંતો છ એ છ નનામીના બંધન તૂટ્યા અને છ એ છ ભાઈઓ બેઠા થઇ જાય છે, અને ચારે બાજુ માં મેલડીનો જય જય કાર થાય છે, આમ માં મેલડીના પ્રતાપે છ એ ભાઈઓ સજીવન થયા, અને ગોબરા ની લાજ રાખી દીધી,

આ બધી માં મેલડી ની લીલા હતી, પછી તો છ એ ભાઈઓ અને તેમની પત્ની માં ની માફી માંગે છે અને બધાય માં મેલડી ના થઈને રહે છે, અને પછી તો માં મેલડીનો માંડવો નખાય છે, માં ના તાવા તળાય છે, ડાક ડમ્મર વાગે છે ,માતાજીના ભુવા ભક્તો ના ખમકારા થઇ રહ્યા છે, આમ સાતેય ભાઈઓ મળીને માતાજીના નિવેદ્ય કરે છે, 

પછી તો કહેવાય છે કે માતાજીની કૃપાથી બરોબર નવ મહિના ને તેર દિવસે ગોબરા ને ઘેર દીકરો જન્મ્યો, ચારેય બાજુ લીલાલહેર થઇ જાય છે, 

માં મેલડી કહે છે "ભૂખ્યો રાખું ,ભોંય સુંવાળું, શરીર ની પડી દઉં ખાલ, આટલું કરતા ના માને તો હું મેલડી કરી દઉં ન્યાલ,"

  

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...